Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યર્મિયાનો વિલાપ

યર્મિયાનો વિલાપ 5

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવા, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.
2અમારું વતન પારકાઓના હાથમાં, અમારાં ઘરો વિદેશીઓના હાથમાં ગયાં છે.
3અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.
4અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.
5જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.
6અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.
7અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.
8ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી.
9અરણ્યમાં ભટકતા લોકોની તરવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.
10દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
11તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.
12તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.
13જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.
14વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.
15અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.
16અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.
17આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.
18કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.

19પણ, હે યહોવા, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
20તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?
21હે યહોવા, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.
22પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!