Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ

યહોશુઆ 3

Help us?
Click on verse(s) to share them!
1અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.
2અને ત્રણ દિવસ પછી, એમ થયું કે આગેવાનો છાવણીમાં ફર્યા;
3તેઓએ લોકોને આજ્ઞા કરી, “જયારે તમે તમારા યહોવા પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.
4તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે; તેની નજીક જશો નહિ, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી.”
5અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે.”
6ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ.” તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા.
7અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ.
8જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.”
9અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.”
10અને યહોશુઆએ કહ્યું, “આનાથી તમે જાણશો કે જીવતા યહોવા તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે.
11જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.
12હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો.
13જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે.”
14તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.
15કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા (યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી)
16ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.
17ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.