Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ

યહોશુઆ 10

Help us?
Click on verse(s) to share them!
1હવે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ જેમ યરીખો અને તેના રાજા સાથે કર્યું હતું તે જ પ્રમાણે તેણે આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે. અને તેણે સાંભળ્યું કે, કેવી રીતે ગિબ્યોનના લોકોએ ઇઝરાયલ સાથે સુલેહ કર્યો અને તેઓની મધ્યે રહે છે.
2તેથી યરુશાલેમના લોકો ભયભીત થયા કારણ કે ગિબ્યોન એક મોટું રાજવંશી શહેરોમાંનું એક હતું. તે આય કરતા ઘણું મોટું હતું અને તેના સર્વ માણસો શક્તિશાળી લડવૈયાઓ હતા.
3તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીયાને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે
4“અહીં મારી પાસે આવો અને મને સહાય કરો. આપણે ગિબ્યોન પર હુમલો કરીએ કેમ કે તેણે યહોશુઆ અને ઇઝરાયલના લોકોની સાથે સુલેહ કરી છે.
5તેથી યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યામૂર્થનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા એ પાંચ અમોરીઓના રાજાઓએ સંપ કર્યો, તેઓ અને તેઓનું સૈન્ય ચઢી આવ્યા. તેઓએ ગિબ્યોનની વિરુદ્ધ આયોજન કરીને તેના પર હુમલો કર્યો.
6ગિબ્યોનના લોકોએ યહોશુઆ અને તેના સૈન્યને ગિલ્ગાલમાં સંદેશ મોકલ્યો. તેઓએ કહ્યું કે, “જલ્દી કરો! તું તારા દાસોથી તારા હાથ પાછા રાખીશ નહિ. અમારી પાસે જલ્દી આવીને અમારો બચાવ કર. કેમ કે અમોરીઓના સર્વ રાજાઓ જેઓ પહાડી દેશમાં રહે છે તેઓએ અમારી પર હુમલો કર્યો છે.”
7તેથી યહોશુઆ અને તેની સાથેના યુદ્ધના સર્વ માણસો અને સર્વ લડવૈયા ગિલ્ગાલ ગયા.
8યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે; તેઓમાંનો એક પણ તમારા આક્રમણ સામે ટકી શકનાર નથી.”
9ગિલ્ગાલથી આખી રાત કૂચ કરીને, યહોશુઆએ અચાનક જ તેઓના પર આક્રમણ કર્યું.
10અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.
11અને તેઓ ઇઝરાયલની આગળથી નાચતાં નાચતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવા તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા, તેઓ સર્વ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તલવારથી માર્યા હતા તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓની સંખ્યા વધારે હતી.
12પછી યહોવાહે ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવા સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાહની સમક્ષ કહ્યું, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે.”
13લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું 'યાશારના' પુસ્તકમાં લખેલું નથી શું?' અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.'
14એ પહેલાં કે પછી તે દિવસના જેવો દિવસ થયો નથી કે, જયારે યહોવાહે માણસની વાણી માની હોય. કેમ કે ઇઝરાયલ તરફથી યહોવા લડાઈ કરી હતી.
15યહોશુઆ અને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલ તરફ છાવણીમાં પાછા આવ્યા.
16પેલા પાંચ રાજાઓ નાસી જઈને પોતે માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા.
17યહોશુઆને કેહવામાં આવ્યુ કે, “જે પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયેલા હતા, તેઓ મળી આવ્યા છે!”
18યહોશુઆએ કહ્યું, “ગુફાના મુખ આગળ મોટો પથ્થર ગબડાવી દો અને તે જગ્યાએ સૈનિકોને તેમની ચોકી કરવાને બેસાડો.

19તમે પોતાને પાછા ના રાખો. તમારા શત્રુઓને શોધી અને પાછળથી તેમના પર હુમલો કરો. તેઓને તેમના નગરમાં પ્રવેશવા દેશો નહિ. કેમ કે તમારા પ્રભુ યહોવાહે તેઓને તમારા હાથમાં આપ્યાં છે.”
20જયારે યહોશુઆ અને ઇઝરાયલપુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળાં નગરોમાં પહોંચી ગયા.
21આખું સૈન્ય માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે શાંતિથી પાછું આવ્યુ. અને ઇઝરાયલના લોકોમાંના કોઈની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈએ હિંમત કરી નહી.
22ત્યારે યહોશુઆએ કહ્યું, “ગુફાનુ મુખ ખોલીને તેમાં છુપાયેલા પાંચ રાજાઓને તેમાંથી બહાર કાઢીને મારી પાસે લાવો.”
23તેના કહ્યા પ્રમાણે તેઓએ કર્યું. તેઓ આ પાંચ રાજાઓ એટલે યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યામૂર્થના રાજાને, લાખીશના રાજાને અને એગ્લોનના રાજાને યહોશુઆની પાસે લાવ્યા.
24અને જયારે તેઓ તે રાજાઓને યહોશુઆ પાસે લાવ્યા ત્યારે તેણે ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના સરદારો જેઓ તેની સાથે યુદ્ધમાં ગયા હતા તેઓને કહ્યું, “તમારા પગ તેઓની ગરદનો પર મૂકો.” તેઓએ આવીને પોતાના પગ તેમની ગરદનો પર મૂક્યા.
25ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહિ અને નાહિંમત થશો નહિ. પણ બળવાન થાઓ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવા તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે.”
26પછી યહોશુઆએ રાજાઓ પર હુમલો કરીને તેમને મારી નાખ્યા. તેણે તેમને પાંચ ઝાડ પર લટકાવ્યા. અને સાંજ સુધી તેઓ ઝાડ પર ટંગાયેલા રહ્યા.
27જયારે સૂર્યાસ્ત થયો, ત્યારે યહોશુઆએ હુકમ આપ્યો અને તેઓએ તેમને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓને નાખ્યા. તેઓએ ગુફાના મુખ પર મોટા પથ્થરો મૂક્યા, તે આજદિન સુધી છે.
28તે રીતે, તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું અને ત્યાં રાજા સહિત દરેકને તરવારથી મારી નાખ્યા. તેણે તેઓનો અને ત્યાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. તેણે કોઈને પણ જીવતા રહેવા દીધાં નહિ. જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.
29યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ માક્કેદાથી લિબ્નાહમાં ગયા. અને તેઓએ લિબ્નાહની સામે યુદ્ધ કર્યું.
30યહોવાહે તેને પણ તેના રાજા સહિત ઇઝરાયલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તરવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતાં છોડ્યા નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું.
31પછી યહોશુઆ અને સર્વ ઇઝરાયલ લિબ્નાહથી લાખીશ ગયા. ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું.
32યહોવાહે લાખીશને ઇઝરાયલના હાથમાં સોંપ્યું. યહોશુઆએ બીજે દિવસે તેને કબજે કર્યું. અને તેણે લિબ્નાહને જેવું કર્યું હતું, તે પ્રમાણે તેમાંના સર્વ જીવંત પ્રાણીઓને તરવારથી મારી નાખ્યાં.
33પછી ગેઝેરનો રાજા, હોરામ, લાખીશની સહાય કરવાને આવ્યો. યહોશુઆએ તેને તથા તેના લોકોને એવા માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહી.
34પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ લાખીશથી એગ્લોન ગયા. તેઓએ ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું,
35તે જ દિવસે તેઓએ તેને કબજે કર્યું. જેમ યહોશુઆએ લાખીશને કર્યું હતું તે જ પ્રમાણે તેઓએ તેમાંના દરેક પર તરવારથી હુમલો કરી તેઓને મારી નાખ્યાં.
36પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ એગ્લોનથી હેબ્રોન આવ્યા. તેઓએ તેની સામે યુદ્ધ કર્યું.

37તેઓએ તેના પર હુમલો કરીને તેને કબજે કર્યું અને રાજા તથા તેના આસપાસના સર્વ નગરોમાંના સર્વને તરવારથી માર્યા. તેઓએ તેમાંના સર્વ પ્રાણીઓને મારી નાખ્યાં, જે તેણે એગ્લોનને કર્યું હતું, તે પ્રમાણે તેણે કોઈને જીવતા રહેવા દીધાં નહિ. પણ તેણે તેનો તથા તેમાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે સંહાર કર્યો.
38પછી યહોશુઆ તથા તેની સાથે ઇઝરાયલનું સૈન્ય પાછું આવ્યું. દબીરમાં પણ તેઓની સાથે યુદ્ધ કર્યું.
39તેણે તેને, તેના રાજાને તથા નજીકના નગરોને કબજે કર્યાં. તેઓએ તેમના પર તરવારથી હુમલો કર્યો અને તેમાંના દરેક પ્રાણીનો સંપૂર્ણરીતે નાશ કર્યો. યહોશુઆએ કોઈને જીવતા રહેવા દીધા નહિ, જેમ તેણે હેબ્રોનને, લિબ્નાહને અને તેના રાજાને કર્યું હતું તેવું કર્યું.
40એમ યહોશુઆએ, આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ, નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. પણ જેમ ઇઝરાયલના પ્રભુ, યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો.
41કાદેશબાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તરવારથી માર્યા.
42યહોશુઆએ આ સર્વ રાજાઓને અને તેઓના દેશને એક વખતમાં જ કબજે કર્યા કેમ કે ઇઝરાયલના યહોવા ઇઝરાયલ માટે લડ્યા હતા.
43પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં.