Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ

યહોશુઆ 5

Help us?
Click on verse(s) to share them!
1જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાહે યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા.
2તે સમયે યહોવાહે યહોશુઆને કહ્યું, “ચકમક પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયલના બધા પુરુષોની ફરીથી સુન્નત કર.”
3પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને 'અગ્રચર્મની ટેકરી' કહેવામાં આવી.
4અને યહોશુઆએ તેઓની સુન્નત કરી તેનું કારણ આ હતું કે, જે પુરુષો મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જેઓની સુન્નત કરાયેલી હતી તેઓ એટલે કે યુદ્ધ કરનારા બધા પુરુષો અરણ્યના રસ્તે મરણ પામ્યા હતા.
5જોકે મિસરમાંથી નીકળેલા પુરુષોની સુન્નત કરવામાં આવી હતી, પરંતુ મિસરમાંથી બહાર નીકળી અરણ્યના માર્ગમાં જે છોકરાઓ જનમ્યાં હતા તેઓની સુન્નત હજી સુધી કરાઈ ન હતી.
6મિસરમાંથી નીકળેલા યોધ્ધાઓ, કે જે અરણ્યમાં મરી ગયા, ત્યાં સુધી ઇઝરાયલના લોકો ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે, તેઓએ યહોવાહની આજ્ઞાઓ પાળી ન હતી. જે દૂધ મધની રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાહે તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહિ તેવા સમ યહોવાહે તેઓ વિષે ખાધા હતા.
7તેઓને સ્થાને યહોવાહે તેઓના દીકરાઓને ઊભા કર્યા હતા, યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી.
8અને સર્વ પુરુષોની સુન્નત થઈ ગયા પછી, તેઓને રૂઝ આવી ત્યાં તેઓ છાવણીમાં રહ્યા.
9અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આ દિવસથી હું તારા પરથી મિસરનું કલંક દૂર કરીશ. “માટે, તે જગ્યાનું નામ ગિલ્ગાલ રાખ્યું જે આજ સુધી તે નામ ઓળખાય છે.
10અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.
11પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું.
12અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું.
13અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?”
14તેણે કહ્યું, “એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું.” અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, “મને માલિકનો આદેશ ફરમાવો.”
15ત્યારે યહોવાહનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે “તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.” અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.