Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો

નીતિવચનો 20

Help us?
Click on verse(s) to share them!
1દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે અને દારૂ દંગો મચાવે છે; જે કોઈ પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી.
2રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેને કોપાવનાર પોતાના જ જીવની વિરુદ્ધ અપરાધ કરે છે.
3ઝઘડાથી દૂર રહેવું એ માણસને માટે શોભાસ્પદ છે, પણ દરેક મૂર્ખ ઝઘડો કરવા માટે ઊતાવળો હોય છે.
4આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી, તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
5અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
6ઘણા લોકો પોતપોતાનો કરેલો ઉપકાર કહી બતાવશે, પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?
7ન્યાયી માણસ પોતાના પ્રામાણિક માર્ગમાં ચાલે છે અને તેના પછી તેને અનુસરનારા તેનાં બાળકો આશીર્વાદિત છે.
8ન્યાયાસન પર બિરાજેલો રાજા પોતાનું કામ જાહેર કરે છે પોતાની આંખથી બધી દુષ્ટતાને વિખેરી નાખે છે.
9કોણ કહી શકે કે, “મેં મારું અંત:કરણ શુદ્ધ કર્યું છે, હું પાપથી મુક્ત થયો છું?”
10જેઓ જુદાં જુદાં વજનિયાં અને માપિયાં રાખે છે- યહોવાહ તે બન્નેને ધિક્કારે છે.
11વળી છોકરાં પણ પોતાનાં આચરણથી ઓળખાય છે કે, તેઓનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
12કાન કે જે સાંભળે છે અને આંખ કે જે જોઈ શકે છે તે બન્નેને યહોવાહે બનાવ્યાં છે.
13ઊંઘ સાથે પ્રીત કરીશ નહિ, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે; તારી આંખો ઉઘાડ એટલે તું અન્નથી તૃપ્ત થશે.
14“આ તો નકામું છે! નકામું છે!” એવું ખરીદનાર કહે છે, પણ તે ત્યાંથી ગયા પછી બડાઈ મારે છે.
15પુષ્કળ સોનું પુષ્કળ માણેકમોતી કરતાં જ્ઞાની હોવું વધારે કિંમતી જેવું છે.
16અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો લઈ લે, પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.
17અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જાય છે.
18દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.

19જે કૂથલી કરવા માટે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે માટે એવા માણસના કામમાં હાથ નાખતો નહિ.
20જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
21જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
22“હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.
23જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે અને ખોટું ત્રાજવું રાખવું એ સારું નથી.
24યહોવાહ માણસના પગલાંને દોરે છે, તો પછી માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?
25વગર વિચારે એમ કહી દેવું કે, “આ વસ્તુઓ પવિત્ર છે,” અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.
26જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે અને તેઓને કચડી નાખે છે.
27માણસનો આત્મા યહોવાહનો દીવો છે, તે હૃદયના અંતરના ભાગોને તપાસે છે.
28કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે, તેનું રાજ્યાસન વફાદારી પર ટકેલું છે.
29યુવાનોનું ગૌરવ તેઓનું બળ છે અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પાળિયાં છે.
30ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે અને ફટકા હૃદયના અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.