Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - અયૂબ

અયૂબ 19

Help us?
Click on verse(s) to share them!
1ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,
2''તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?
3આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
4જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી ભૂલ મારી પાસે રહી.
5જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;
6તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.
7જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.
8ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
9તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
10તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.
11વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.
12તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
13તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.
14સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.
15મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.
16હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.
17મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; મારા સગા ભાઈઓ અને બહેનોને મારે આજીજી કરવી પડે છે.
18નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.

19મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.
20મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયાછે. માંડમાંડ મારો જીવ બચ્યો છે.
21હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
22શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?
23અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!
24અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!
25હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;
26મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ.
27તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, બીજાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.
28જો તમે કહો, 'અમે તેને કેવો સતાવીશું,' કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,'
29તો તરવારથી તમે બીહો, કેમ કે કોપ તરવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.''