Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - અયૂબ

અયૂબ 29

Help us?
Click on verse(s) to share them!
1અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
2''અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
3ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
4જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
5તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.
6તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!
7ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
8યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.
9સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.
10અમીરો બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.
11કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
12કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
13જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
14મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
15હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
16ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.
17હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.
18ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.

19મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
20મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.
21લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
22મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.
23તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.
24જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.
25હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.