Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 કાળવ્રત્તાંત

1 કાળવ્રત્તાંત 11

Help us?
Click on verse(s) to share them!
1પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.
2ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, 'તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.”
3પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
4દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ (એટલે યબૂસ) ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
5યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
6દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.
7પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.
8તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
9દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.
10દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.
11તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
12તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
13પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
14ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.
15ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
16દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.
17દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”
18તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.

19પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.
20યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
21ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
22કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
23વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
24યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
25તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
26વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
27શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
28તકોઈ ઈક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
29સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી,
30માહરાય નટોફાથી, નટોફાથી બાનાનો દીકરો હેલેદ,
31બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
32ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
33આઝમા-વેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની,
34ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
35હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
36હેફેર મખેરાથી, અહિયા પલોની,

37હેસરો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય,
38નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
39સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
40ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
41ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ,
42રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
43માકાનો દીકરો હાનાન, યહોશાફાટ મિથ્ની,
44ઉઝિયા આશ્તરોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ,
45શિમ્રીનો દીકરો યદિયેલ, તેનો ભાઈ તીસી નો યોહા,
46અલીએલ માહવી, એલ્તામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
47અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.