Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 કાળવ્રત્તાંત

1 કાળવ્રત્તાંત 29

Help us?
Click on verse(s) to share them!
1પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાન ને જ ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજી જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહિ પણ ઈશ્વર યહોવાહને માટે છે.
2મેં મારી તમામ શકિત અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે રૂપું, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.
3તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.
4ભક્તિસ્થાનની ઈમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું (એકસો દસ ટન) અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી (બસો સાઠ ટન);
5કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને માટે હું સોનું ચાંદી આપું છું. હવે આજે તમારામાંથી બીજા કોણ યહોવાહને માટે રાજીખુશીથી ઉદારતાપૂર્વક પોતાનો ફાળો આપવા ઇચ્છે છે?”
6પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયલના કુળોના આગેવાનો, હજારના અને સેના અધિપતિઓ તથા રાજ્યસેવાના અધિકારીઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.
7તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત સોનું, દસ હજાર સોનાની દારીક, દસ હજાર તાલંત ચાંદી અને અઢાર હજાર તાલંત પિત્તળ તેમ જ એક લાખ તાલંત લોખંડ આપ્યું.
8વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો.
9તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.
10સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!
11યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.
12તમારાથી જ ધન અને યશ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,
13હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
14પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.
15કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.
16યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.
17હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.
18હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.

19મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”
20દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, “યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!” અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.
21બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું.
22તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાધુપીધું અને ખૂબ આનંદ કર્યો. તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો.
23પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાહે સ્થાપેલા સિંહાસન પર બિરાજયો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયલ લોકો તેને આધીન થયા.
24તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમ જ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધાં.
25યહોવાહે, સુલેમાનને ઇઝરાયલની નજરમાં ખૂબ મહાન કર્યો અને ઇઝરાયલના કોઈ પણ રાજાએ પહેલાં કદી મેળવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.
26યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયલ પર શાસન કર્યું.
27તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું.
28સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુથી પરિપૂર્ણ થઈને તે મૃત્યુ પામ્યો અને તેના પછી તેના પુત્ર સુલેમાને રાજય કર્યું.
29રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.
30તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયલ પર તેમ જ દેશોના સર્વ રાજ્યો ઊપર જે સમય ગુજાર્યો તે સર્વ વિષે તેમાં લખેલું છે.