Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 કાળવ્રત્તાંત

1 કાળવ્રત્તાંત 19

Help us?
Click on verse(s) to share them!
1આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો.
2દાઉદે કહ્યું, “હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી.” તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા.
3ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તું શું એમ માને છે કે, તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”
4તેથી હાનૂને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી, તેઓનાં વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યાં પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.
5જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.
6જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે, ત્યારે હાનૂને અને આમ્મોનીઓએ અરામ નાહરાઈમમાંથી, અરામ-માકામાંથી અને સોબામાંથી રથો તેમ જ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.
7તેણે બત્રીસ હજાર રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓનાં સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાનાં નગરોમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયાં.
8દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા.
9આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.
10જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં.
11બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ મૂક્યું. અને તેઓએ આમ્મોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી.
12યોઆબે તેના ભાઈને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.
13હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઈરાદાની પૂર્ણતા માટે સારું કરશે.”
14જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા.
15અને આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબિશાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યોઆબ પણ આમ્મોની લોકો પાસેથી પાછો યરુશાલેમ આવી પહોંચ્યો.
16અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદારએઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા.
17આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા.
18અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો.

19જ્યારે હદારએઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા.