Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગણના

ગણના 25

Help us?
Click on verse(s) to share them!
1ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું.
2કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી.
3ઇઝરાયલના માણસો પેઓરના બઆલની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.
4યહોવાહે મૂસાને કહ્યું કે, “લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય.”
5તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, “તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે.”
6ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.
7જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો.
8તે ઇઝરાયલી માણસની પાછળ તંબુમાં ગયો અને ભાલાનો ઘા કરીને તે ઇઝરાયલી માણસને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યાં. જે મરકી ઈશ્વરે ઇઝરાયલી લોકો પર મોકલી હતી તે બંધ થઈ.
9જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા.
10પછી યહોવાહે મૂસાને કહ્યું,
11“હારુન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે ઇઝરાયલ લોકો પરથી મારા ક્રોધને શાંત કર્યો છે. તેથી મારા ગુસ્સામાં મેં ઇઝરાયલી લોકોનો નાશ ન કર્યો.
12તેથી કહે કે, 'યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું.
13તેના માટે તથા તેના પછી તેના વંશજોને માટે તે સદાના યાજકપદનો કરાર થશે, કેમ કે મારા માટે, એટલે પોતાના ઈશ્વર માટે આવેશી થયો છે. તેણે ઇઝરાયલના લોકો માટે પ્રાયશ્ચિત કર્યું હતું.”'”
14જે ઇઝરાયલી માણસને મિદ્યાની સ્ત્રીની સાથે મારી નાખવામાં આવ્યો હતો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતૃઓના કુટુંબનો આગેવાન સાલૂનો દીકરો હતો.
15જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો.
16પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું,
17“મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર,
18કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા.”