1અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા.
2તેઓએ કહ્યું, “શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? “હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું.
3મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો.
4યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; ''તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો.” અને તેઓ ત્રણે બહાર આવ્યાં.
5પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં.
6યહોવાહે કહ્યું, “હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ.
7મારો સેવક મૂસા એવો નથી તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.
8હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?”
9પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા.
10અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ઠરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી.
11હારુને મૂસાને કહ્યું કે, “ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે.
12પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ.”
13તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો.”
14યહોવાહે મૂસાને કહ્યું કે, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે.”
15આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ.
16પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.