Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગણના

ગણના 21

Help us?
Click on verse(s) to share them!
1જ્યારે નેગેબમાં રહેતા કનાનીઓના રાજા અરાદે સાંભળ્યું કે ઇઝરાયલ અથારીમને માર્ગેથી મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેણે ઇઝરાયલ સામે લડાઈ કરીને તેમાંના કેટલાકને કેદ કરી લીધા.
2તેથી ઇઝરાયલે યહોવાહને વચન આપીને કહ્યું કે, “જો તમે અમને આ લોકો ઉપર વિજય આપશો, તો અમે તેઓનાં નગરોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું.”
3યહોવાહે ઇઝરાયલીઓની વિનંતી સાંભળીને તેઓને કનાનીઓ ઉપર વિજય અપાવ્યો. તેઓએ તેઓનો અને તેઓના નગરોનો સંપૂર્ણપણે નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માહ પડ્યું.
4તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.
5લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ.”
6ત્યારે યહોવાહે લોકોની વચ્ચે ઝેરી સાપો મોકલ્યા. એ સાપો લોકોને કરડ્યા; ઘણાં લોકો મરી ગયા.
7તેથી લોકોએ મૂસા પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે કેમ કે અમે તારી અને યહોવાહની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાહને પ્રાર્થના કર કે તેઓ અમારી મધ્યેથી સાપો દૂર કરે.” તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.
8યહોવાહે મૂસાને કહ્યું, “એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય.”
9તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂકયો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.
10ઇઝરાયલ લોકોએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં છાવણી કરી.
11તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયેઅબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.
12અને ત્યાંથી મુસાફરી કરીને તેઓએ ઝેરેદની ખીણ આગળ છાવણી કરી.
13ત્યાંથી તેઓએ મુસાફરી કરીને આર્નોન નદીની બીજી બાજુએ છાવણી કરી, જે અમોરીઓની સરહદ સુધી વિસ્તરેલા અરણ્યમાં છે, આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.
14માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, “...સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
15આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ.”
16ત્યાંથી તેઓ મુસાફરી કરીને બએર એટલે જે કૂવા સંબંધી યહોવાહે મૂસાને કહ્યું હતું કે, “તું લોકોને મારા માટે એકત્ર કર હું તેઓને પાણી આપીશ ત્યાં આવ્યા.”
17ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: “હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ.
18જે કૂવો અમારા અધિપતિઓએ ખોદ્યો, જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો છે.” પછી અરણ્યથી તેઓએ મત્તાનાહ સુધી મુસાફરી કરી.

19માત્તાનાહથી તેઓ મુસાફરી કરીને નાહલીએલ ગયા અને નાહલીએલથી બામોથ,
20બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા.
21પછી ઇઝરાયલે સંદેશાવાહકોને મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું કે,
22કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે વળીને તારા ખેતરો કે દ્રાક્ષાવાડીઓમાં થઈને નહિ જઈએ. અમે તારા કૂવાઓમાંથી પાણી નહિ પીએ. અમે તારી સરહદ પસાર કરીએ ત્યાં સુધી રાજમાર્ગે થઈને ચાલીશું.”
23પણ રાજા સીહોને ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દીધા નહિ. સીહોન રાજાએ પોતાના સૈન્યને એકત્ર કર્યું અને રણમાં ઇઝરાયલીઓ ઉપર હુમલો કર્યો. તે યાહાસ પહોંચી ગયો. ત્યાં તેઓએ ઇઝરાયલ સાથે યુદ્ધ કર્યું.
24પણ ઇઝરાયલે સીહોનના સૈન્યનો તલવારની ધારથી સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક નદી સુધી, આમ્મોન લોકોની સરહદ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. આમ્મોન લોકોની સરહદ કિલ્લાબંધ હતી.
25ઇઝરાયલે હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.
26હેશ્બોન અમોરીઓના રાજા સીહોનનું નગર હતું, સીહોને અગાઉના મોઆબના રાજા સામે યુદ્ધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.
27માટે કહેવતો કહેનારા કહે છે, “તમે હેશ્બોનમાં આવો, સીહોનનું નગર ફરીથી બંધાય અને સ્થપાય.
28હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળ્યો તેણે મોઆબના આરને, આર્નોન પર્વતના માલિકોને, ભસ્મ કર્યા.
29હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો, તમારો નાશ થયો છે. તેણે પોતાના દીકરાઓને નાસી ગયેલા અને પોતાની દીકરીઓએ કેદીઓ તરીકે, અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધા છે.
30પણ અમે સીહોનને જીતી લીધો છે. દીબોન સુધી હેશ્બોનનો વિનાશ થઈ ગયો છે. મેદબા પાસેના નોફાહ સુધી, અમે તેઓને હરાવ્યા છે.”
31આ રીતે ઇઝરાયલ અમોરીઓના દેશમાં વસ્યો.
32મૂસાએ યાઝેર પર જાસૂસી કરવા માટે માણસો મોકલ્યા. તેઓએ તેમનાં ગામો લઈ લીધાં અને ત્યાં જે અમોરીઓ હતા તેઓને હાંકી કાઢ્યા.
33પછી તેઓએ પાછા વળીને બાશાનના રસ્તેથી ગયા. બાશાનનો રાજા ઓગ અને તેનું આખું સૈન્ય તેઓની સાથે યુદ્ધ કરવા એડ્રેઇ આવ્યા.
34યહોવાહે મૂસાને કહ્યું, “તેનાથી બીતો નહિ, કેમ કે મેં તને તેના પર, તેના આખા સૈન્ય પર અને તેના દેશ પર વિજય આપ્યો છે. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનની સાથે જેવું તેં કર્યું તેવું જ તેની સાથે કરજે.”
35માટે તેઓએ તેને, તેના દીકરાઓને અને તેના આખા સૈન્યને એટલે સુધી માર્યા કે તે લોકોમાંનું કોઈ પણ જીવતું બચ્યું નહિ. તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.