1યહોવાહે મૂસાને કહ્યું,
2ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
3તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
4તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશબાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.
5ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.
6મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.
7તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી,
8ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે.
9ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસારએનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
10તમારી પૂર્વની સરહદ હસાર એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી.
11તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.
12ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.”'
13મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.
14રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
15આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”
16યહોવાહે મૂસાને કહ્યું,
17“જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
18તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
19તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
20શિમયોનના વંશજોના કુળમાંથી આમિહૂદનો દીકરો શમુએલ.
21બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.
22દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
23યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
24એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
25ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
26ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
27આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
28નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમિહૂદનો દીકરો પદાહએલ.”
29યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.