Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 રાજઓ - 2 રાજઓ 10

2 રાજઓ 10:7-27

Help us?
Click on verse(s) to share them!
7જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના સિત્તેર રાજકુમારોને મારી નાખ્યા, તેઓના માથાં ટોપલીઓમાં ભરીને યેહૂ પાસે યિઝ્રએલમાં મોકલ્યાં.
8સંદેશાવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “તેઓ રાજપુત્રોના માથાં લાવ્યા છે.” ત્યારે તેણે કહ્યું, “ભાગળના પ્રવેશદ્વાર આગળ બે ઢગલા કરીને તે માથાં આવતી કાલ સવાર સુધી ત્યાં રાખી મૂકો.”
9સવારમાં યેહૂ બહાર આવ્યો. તેણે ઊભા રહીને બધા લોકને કહ્યું, “તમે નિર્દોષ છો. જુઓ, મેં તો મારા માલિકની સામે કાવતરું રચીને તેને મારી નાખ્યો, પણ આ બધા રાજકુમારોને કોણે મારી નાખ્યા?
10હવે તમારે નિશ્ચે જાણવું કે, યહોવાહ આહાબના કુટુંબ વિષે જે કંઈ બોલ્યા છે, તેમાંથી એક પણ વચન નિષ્ફળ થનાર નથી. કેમ કે યહોવાહ પોતાના સેવક એલિયા દ્વારા જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.”
11યેહૂએ યિઝ્રએલમાં આહાબના કુટુંબનાં બાકી રહેલા સર્વને, તેના સર્વ મુખ્ય માણસોને, નજીકના મિત્રોને તથા તેના યાજકોને કોઈને પણ બાકી રાખ્યા સિવાય સર્વને મારી નાખ્યા.
12પછી યેહૂ ઊઠીને ચાલ્યો ગયો. તે સમરુનમાં ભરવાડોના કાતરણીના ઘર (બેથ એકેદ) આગળ આવી પહોંચ્યો,
13ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝયાહના ભાઈઓ મળ્યા. યેહૂએ તેમને પૂછ્યું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાહના ભાઈઓ છીએ અને અમે રાજપુત્રોને તથા રાણી ઇઝબેલના દીકરાઓને મળવા જઈએ છીએ.”
14યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના (બેથ એકેદ) કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.
15જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો.
16યેહૂએ કહ્યું, “તું મારી સાથે આવ અને યહોવાહ પ્રત્યેની મારી આસ્થા જો.” એમ તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.
17સમરુનમાં આવીને યેહૂએ આહાબના કુટુંબનાં બાકી રહેલાઓને મારી નાખ્યા, જે પ્રમાણે યહોવાહનું વચન તેમની આગળ એલિયાએ કહ્યું હતું તે પ્રમાણે તેણે આહાબના રાજપુત્રોનો નાશ કર્યો.
18પછી યેહૂએ બધા લોકોને એકસાથે ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની વધારે સેવા કરશે.
19માટે હવે બઆલના તમામ પ્રબોધકો, યાજકો અને ભક્તોને મારી પાસે બોલાવો. એક પણ વ્યક્તિ બાકી રહેવી જોઈએ નહિ, કેમ કે, મારે બઆલને માટે મોટો યજ્ઞ કરવાનો છે. જે કોઈ નહિ આવે તે જીવતો રહેવા પામશે નહિ.” જોકે યેહૂએ બઆલના ભકતોને મારી નાખવાના હેતુથી પક્કાઈથી આ કાવતરું કર્યું હતું.
20યેહૂએ કહ્યું. “બઆલને માટે એક પવિત્ર મેળો ભરો, તેના માટે દિવસ નક્કી કરો.” માટે તેઓએ તેનો ઢંઢેરો પિટાવ્યો.
21પછી યેહૂએ સમગ્ર ઇઝરાયલમાં સંદેશાવાહકો મોકલ્યા. બાલના બધા જ સેવકો આવ્યા, એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બાલના મંદિરમાં આવ્યા, મંદિર એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.
22પછી યેહૂએ યાજકનો વસ્ત્રભંડાર સંભાળનાર માણસને કહ્યું, “બાલના બધા ભક્તો માટે ઝભ્ભા કાઢી લાવ.” એટલે તે માણસ તેઓને માટે ઝભ્ભા કાઢી લાવ્યો.
23પછી યેહૂ અને રેખાબનો દીકરો યહોનાદાબ બાલના મંદિરમાં ગયા. તેણે બાલના ભક્તોને કહ્યું, “બરાબર શોધ કરો અને જુઓ કે અહીં યહોવાહના સેવકોમાંનો કોઈ તમારી સાથે હોય નહિ, પણ ફક્ત બાલના સેવકો જ હોય.”
24પછી તેઓ યજ્ઞો અને દહનીયાપર્ણો ચઢાવવા અંદર ગયા. હવે યેહૂએ એંશી માણસોને બહાર ઊભા રાખ્યા હતા તેઓને કહ્યું હતું કે, “જે માણસોને હું તમારા હાથમાં લાવી આપું, તેઓમાંનો જો કોઈ નાસી જશે તો તેના જીવને બદલે તમારો જીવ લેવાશે.”
25યેહૂ દહનીયાપર્ણ ચઢાવી રહ્યો પછી તરત જ તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો. કોઈને બહાર આવવા દેશો નહિ.” તેઓએ તેઓને તલવારની ધારથી મારી નાખ્યા. રક્ષકો અને સરદારો તેઓને બહાર ફેંકી દઈને બાલના મંદિરના અંદરનાં ઓરડામાં ગયા.
26બાલના મંદિરમાં અશેરા દેવીની જે મૂર્તિ હતી તેને તેઓએ ત્યાંથી હઠાવી દઈને બાળી નાખી.
27તેઓએ બાલના સ્તંભને તોડી નાખ્યો. અને બાલના મંદિરનો નાશ કરીને તે જગ્યાને સંડાસ બનાવી દીધી. જે આજ સુધી છે.

Read 2 રાજઓ 102 રાજઓ 10
Compare 2 રાજઓ 10:7-272 રાજઓ 10:7-27