Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 રાજઓ

2 રાજઓ 3

Help us?
Click on verse(s) to share them!
1યહૂદિયાના રાજા યહોશાફાટના અઢારમા વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું.
2તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, પણ તેના પિતાની કે માતાની જેમ નહિ, કેમ કે તેણે તેના પિતાએ બનાવેલો બઆલનો પવિત્ર સ્તંભ કાઢી નાખ્યો.
3તેમ છતાં તે નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ લોકો પાસે પાપ કરાવ્યું તેને વળગી રહ્યો. તેણે તેનો ત્યાગ કર્યો નહિ.
4હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો.
5પણ આહાબના મરણ પછી મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.
6તેથી યહોરામ રાજાએ તે જ સમયે સમરુનથી બહાર નીકળીને ઇઝરાયલના સૈનિકોને યુદ્ધને માટે એકત્ર કર્યા.
7પછી તેણે યહૂદિયાના રાજા યહોશાફાટને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે. શું મોઆબની સામે યુદ્ધ કરવા તું મારી સાથે આવશે?” યહોશાફાટે કહ્યું, “હું આવીશ. જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, જેવા તમારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.”
8પછી તેણે કહ્યું, “આપણે કયા માર્ગેથી હુમલો કરીશું?” યહોરામે કહ્યું, “અદોમના અરણ્યના માર્ગેથી.”
9તેથી ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા તથા અદોમનો રાજા યુદ્ધ માટે આગળ વધ્યા. તેઓએ ચકરાવો મારીને સાત દિવસની કૂચ કરી, ત્યાં તેઓના સૈન્ય માટે, ઘોડા માટે તથા બીજાં પશુઓ માટે પાણી ન હતું.
10ત્યારે ઇઝરાયલના રાજાએ કહ્યું, “આ શું છે? યહોવાહે આપણને ત્રણ રાજાઓને ભેગા કરીને બોલાવ્યા છે કે જેથી મોઆબીઓ આપણને હરાવે?”
11પણ યહોશાફાટે કહ્યું, “શું અહીં યહોવાહનો કોઈ પ્રબોધક નથી કે, જેના દ્વારા આપણે યહોવાહને પૂછી જોઈએ?” ઇઝરાયલના રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “શાફાટનો દીકરો એલિશા જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો તે અહીં છે.”
12યહોશાફાટે કહ્યું, “યહોવાહનું વચન તેની પાસે છે.” તેથી ઇઝરાયલનો રાજા યહોશાફાટ તથા અદોમનો રાજા તેની પાસે ગયા.
13એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું કે, “હું તમારી સાથે શું કરું? તમારી માતાના તથા પિતાના પ્રબોધકો પાસે જાઓ.” તેથી ઇઝરાયલના રાજાએ તેને કહ્યું, “ના, કેમ કે યહોવાહે અમને ત્રણ રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા માટે એકત્ર કર્યાં છે.”
14એલિશાએ કહ્યું, “સૈન્યોના યહોવાહ, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ, જો યહૂદિયાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માન ન હોત, તો ખરેખર હું તમારી તરફ દ્રષ્ટિ પણ ન કરત.
15પણ હવે મારી પાસે કોઈ વાજિંત્ર વગાડનારને લાવો.” પછી વાજિંત્ર વગાડનારે આવીને વાજિંત્ર વગાડ્યું ત્યારે એમ બન્યું કે, યહોવાહનો હાથ એલિશા પર આવ્યો.
16તેણે કહ્યું, “યહોવાહ એમ કહે છે: આ સૂકી નદીની ખીણમાં બધી જગ્યાએ ખાઈઓ ખોદો.'
17કેમ કે યહોવાહ એવું કહે છે, તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ જોશો નહિ, પણ આ ખીણ પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તેમ જ તમારાં જાનવર અને તમારાં પશુઓ પણ પાણી પીશે.
18આ તો યહોવાહની દ્રષ્ટિમાં નાની બાબત છે. વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે.

19તમે તેઓના દરેક કિલ્લેબંધીવાળા નગર તથા દરેક સારા નગર પર હુમલો કરશો, દરેક સારા વૃક્ષોને કાપી નાખશો, દરેક પાણીના ઝરા બંધ કરી દેશો, દરેક સારી જમીનને પથ્થરો નાખીને બગાડી નાખશો.”
20સવારે બલિદાન અર્પણ કરવાના સમયે એમ થયું કે, અદોમ તરફથી પાણી આવ્યું અને દેશ પાણીથી ભરાઈ ગયો હતો.
21જયારે બધા મોઆબીઓએ સાંભળ્યું કે, રાજાઓ તેઓની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે શસ્ત્ર સજી શકે એવા માણસો એકત્ર થઈને સરહદ પર ઊભા રહ્યા.
22તેઓ વહેલી સવારે ઊઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મોઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું.
23તેઓએ કહ્યું, “આ તો રક્ત છે! રાજાઓ નાશ પામ્યા છે, તેઓએ એકબીજાને મારી નાખ્યા છે! માટે હવે, હે મોઆબીઓ, તેઓને લૂંટવા માંડો”
24પરંતુ જયારે મોઆબીઓ ઇઝરાયલની છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલીઓએ ઊભા થઈને મોઆબીઓને એવા માર્યા કે તેઓ તેમની આગળથી નાસી ગયા. ઇઝરાયલીઓ મોઆબીઓને મારતાં મારતાં તેઓને દેશમાંથી દૂર લઈ ગયા.
25ઇઝરાયલે નગરોનો નાશ કર્યો અને દરેક માણસે જમીનના દરેક સારા ભાગમાં પથ્થર નાખીને ખેતરોને ભરી દીધા. બધા ઝરાને તેમણે બંધ કરી દીધાં, બધાં જ સારાં વૃક્ષો કાપી નાખ્યાં. ફક્ત કીર-હરેસેથમાં તેઓએ પથ્થરો રહેવા દીધા. અને સૈનિકોએ ગોફણથી તેના પર હુમલો કર્યો.
26જયારે મોઆબના રાજાએ જોયું કે, અમે યુદ્ધ હારી રહ્યા છીએ, ત્યારે તેણે અદોમના રાજાનો નાશ કરવાને પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લીધા, પણ તેઓ જઈ શક્યા નહિ.
27મોઆબના રાજાએ પોતાના જ્યેષ્ઠ દીકરાનું બલિદાન ચઢાવ્યું જેના કારણે ઇઝરાયલીઓ ભયભીત થઈને પોતાનાં દેશમાં ચાલ્યા ગયાં. તેથી ઇઝરાયલ પર ઈશ્વરને ક્રોધ ચઢ્યો.