Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 રાજઓ

2 રાજઓ 4

Help us?
Click on verse(s) to share them!
1હવે પ્રબોધકોના દીકરાઓની પત્નીઓમાંની એક પત્નીએ આવીને એલિશાને આજીજી કરીને કહ્યું, “તમારો સેવક મારો પતિ મરણ પામ્યો છે, તમે જાણો છો કે, તમારો સેવક યહોવાહનો ભય રાખતો હતો. હવે એક લેણદાર મારા બે દીકરાઓને તેના ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યો છે.”
2એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.”
3ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ.
4પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.”
5પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ.
6જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.
7પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, “તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો.”
8એક દિવસ એવું બન્યું કે, એલિશા શુનેમ ગયો ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો. અને એમ થયું કે, એલિશા જેટલી વાર ત્યાંથી જતો, તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો.
9તે સ્રીએ પોતાના પતિને કહ્યું, “જુઓ, હવે મને ખાતરી થઈ છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવીને જાય છે તે તો પવિત્ર ઈશ્વરભક્ત છે.
10તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.”
11એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો.
12એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી.
13એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, 'તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.”
14તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, “તો પછી આપણે તેને માટે શું કરીએ?” ગેહઝીએ જવાબ આપ્યો, “ખરેખર, તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે.”
15એલિશાએ કહ્યું, “તેને બોલાવ.” જયારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી.
16એલિશાએ કહ્યું, “આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે.” પણ તેણે કહ્યું, “ના, મારા માલિક ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”
17પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યો. અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાણે, બીજા વર્ષે તે જ સમયે તેને દીકરો જન્મ્યો.
18જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો.

19બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.”
20તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો.
21પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભકતના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.
22તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભકત પાસે જઈને પાછી આવી શકું.”
23તેના પતિએ પૂછ્યું, “તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર.” સ્ત્રીએ કહ્યું “બધું સારું થશે.”
24પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”
25આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે.
26કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, 'શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?'” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.”
27તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વરભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા, ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો પણ ઈશ્વરભક્તે તેને કહ્યું, “તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે, યહોવાહે તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી.”
28પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ'?”
29ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.”
30પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.
31ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.”
32જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો.
33તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી.
34પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો.
35પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.
36પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.”

37પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.
38એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ.”
39તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી વેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.
40પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.
41પણ એલિશાએ કહ્યું, “તો થોડો લોટ લાવો.” તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય.” અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું.
42બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”
43તેના ચાકરે કહ્યું, “શું, હું આ સો માણસોની આગળ મૂકું?” પણ એલિશાએ કહ્યું, “તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, 'તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.'”
44માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના કહ્યા પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.