Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 રાજઓ

2 રાજઓ 18

Help us?
Click on verse(s) to share them!
1હવે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયાના ત્રીજા વર્ષે યહૂદિયાના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો.
2તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબીયા હતું અને તે ઝખાર્યાની દીકરી હતી.
3તેણે પોતાના પિતૃ દાઉદે જે કર્યું હતું તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
4તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડાં કરી નાખ્યા, કેમ કે, તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ “નહુશ્તાન” પાડ્યું હતું.
5હિઝકિયા ઇઝરાયલના યહોવાહ ઈશ્વર પર ભરોસો રાખતો હતો, માટે તેની અગાઉ કે તેના પછી થયેલા યહૂદીઓના રાજાઓમાં તેના જેવો કોઈ થયો કે થવાનો ન હતો.
6તે યહોવાહને વળગી રહ્યો. તેમનું અનુકરણ કરવાનું તેણે છોડ્યું નહિ પણ યહોવાહની આજ્ઞાઓ જે તેમણે મૂસાને આપી હતી તે તેણે પાળી.
7તેથી યહોવાહ હિઝકિયાની સાથે રહ્યા અને જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી કરી નહિ.
8તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારેબાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો.
9હિઝકિયા રાજાના ચોથા વર્ષે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના સાતમા વર્ષે એમ થયું કે આશૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.
10ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, હિઝકિયાના છઠ્ઠા વર્ષે, ઇઝરાયલના રાજા હોશિયાના નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું.
11આશૂરનો રાજા ઇઝરાયલીઓને પકડીને આશૂરમાં લઈ ગયો, તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓનાં નગરોમાં રાખ્યા.
12કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ.
13હિઝકિયા રાજાના ચૌદમા વર્ષે આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના બધાં કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધાં.
14માટે યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશૂરના રાજાને સંદેશો મોકલીને કહાવ્યું કે, “મેં તને નારાજ કર્યો છે. હવે અહીંથી પાછો જા. તું જે શરતો મારી આગળ મૂકશે તેનો હું સ્વીકાર કરીશ.” આથી આશૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને ત્રણસો તાલંત ચાંદી અને ત્રીસ તાલંત સોનું આપ્યું.
15માટે હિઝકિયાએ તેને યહોવાહના સભાસ્થાનમાંથી અને રાજમહેલના ભંડારમાંથી જે ચાંદી મળી આવી હતી તે બધી તેને આપી.
16તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશૂરના રાજાને આપ્યું.
17પણ આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરુશાલેમ પહોંચ્યા. તેઓ યરુશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ગરનાળા પાસે થોભ્યા.
18તેઓએ હિઝકિયા રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો ઉપરી હતો તે, નાણાં મંત્રી શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઈતિહાસકાર હતો, તેઓ તેઓને મળવા બહાર આવ્યા.

19રાબશાકાહે તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશૂરનો મહાન રાજા પૂછે છે કે, “તારો આત્મવિશ્વાસ શેનાથી છે?
20તું કહે છે, યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે?
21જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે.
22પણ જો તમે એવું કહો કે, 'અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,' તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, 'તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?'
23તો હવે, કૃપા કરી મારા માલિક આશૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ.
24જો તારાથી ન બની શકે તો તું રથો અને ઘોડેસવારોના માટે મિસર પર ભરોસો રાખીને મારા માલિકના એક પણ સરદારને કેવી રીતે પાછો હઠાવી શકે?
25શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.'”
26હિલ્કિયાના દીકરા એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામીભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.”
27પણ રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?”
28પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, “આશૂરના રાજાધિરાજનું વચન સાંભળો.
29રાજા કહે છે, “હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ.
30“યહોવાહ નિશ્ચે આપણને બચાવશે, આ નગર આશૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે એવું કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો રખાવે નહિ.”'
31આશૂરનો રાજા એમ કહે છે કે, હિઝકિયાનું સાંભળશો નહિ, 'મારી સાથે સુલેહ કરીને મારી પાસે આવો. ત્યારે તમે દરેક પોતાની દ્રાક્ષાવાડીમાંથી અને પોતાના અંજીરના વૃક્ષ પરથી ફળ ખાશો, તમારા પોતાના કૂવાનું પાણી પીશો, હું આવીને તમને ત્યાં લઈ જાઉ નહિ
32ત્યાં સુધી તમારો જે દેશ તમારા પોતાના દેશ જેવો અનાજ અને દ્રાક્ષારસનો દેશ, રોટલી અને દ્રાક્ષનીવાડીઓનો દેશ, જૈતૂન અને મધનો દેશ છે ત્યાં તમે જીવતા રહેશો અને મરશો નહિ.' જયારે હિઝકિયા તમને સમજાવે કે, 'યહોવાહ આપણને બચાવશે' તો તેનું સાંભળશો નહિ.
33શું કોઈ પણ પ્રજાના દેવે કદી પોતાના દેશને આશૂર રાજાના હાથમાંથી બચાવ્યો છે?
34હમાથ અને આર્પાદના દેવો કયાં છે? સફાર્વાઈમ, હેના અને ઇવ્વાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરુનને મારા હાથમાંથી છોડાવ્યું છે?
35આ બધા દેશોના દેવોમાંથી એવા દેવ કોણ છે તેઓએ પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય? તો કેવી રીતે યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવશે?”
36રાજાએ આજ્ઞા આપી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ” માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ.

37પછી હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તે, નાણાંમંત્રી શેબ્ના અને આસાફનો દીકરો યોઆહ ઈતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં.