Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પુનર્નિયમ

પુનર્નિયમ 3

Help us?
Click on verse(s) to share them!
1ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.
2યહોવાહે મને કહ્યું, ''તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર.”
3તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ.
4તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.
5આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં.
6અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો.
7પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.
8તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આનોર્નની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો.
9(સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે);
10સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.
11કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.
12અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએરથી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં.
13ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. (તે રફાઈઓનો દેશ કહેવાય છે).
14મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.)
15મેં માખીરને ગિલ્યાદ આપ્યું.
16રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.
17અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.
18તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.

19પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર (હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે), જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે,
20જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો.”
21મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, “યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે.
22તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે.”
23તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે,
24“હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે?
25કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો.”
26પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, “તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ.
27પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.
28યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે.”
29એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.