Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પુનર્નિયમ

પુનર્નિયમ 28

Help us?
Click on verse(s) to share them!
1જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે.
2જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે.
3તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો.
4તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.
5તમારી ટોપલી તથા તમારા થાળ આશીર્વાદિત થશે.
6તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો.
7યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.
8યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.
9જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.
10પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે.
11અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે.
12તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.
13અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો,
14અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે.
15યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.
16તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.
17તમારી રોટલી તથા તમારો થાળ શાપિત થશે.
18તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.

19તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
20જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.
21જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.
22યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તરવારથી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે.
23તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે.
24તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.
25યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.
26અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.
27મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.
28પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે.
29અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
30તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો.
31તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.
32તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.
33જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો.
34અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો.
35તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.
36જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.

37જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.
38તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.
39તમે દ્રાક્ષાવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
40તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.
41તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
42તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.
43તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.
44તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.
45તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે.
46આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.
47જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ,
48માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી તેઓ તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે.
49યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે;
50તે જાતિ વિકરાળ હાવભાવ વાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે.
51તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.
52તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે.
53જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.
54તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે- તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષાળુ થશે.

55જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય.
56તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહિ હોય, તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે,
57પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષાળુ થશે. કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે.
58યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો,
59તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.
60મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે.
61તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે.
62તમે સંખ્યામાં આકાશના તારાઓ જેટલા હતા તેને બદલે અતિ અલ્પ થઈ જશો, કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી.
63જેમ યહોવાહ તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તમે યહોવાહ તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે.
64યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો.
65આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહિ પડે, તમારા પગનાં તળિયાંને કંઈ આરામ નહિ મળે, પણ, ત્યાં યહોવાહ તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે.
66તમારું જીવન શંકામાં રહશે; તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહિ રહે.
67તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવ તું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે, ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે અને સાંજે તમે કહેશે કે, ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય.
68જે માર્ગ વિષે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહિ. અને તે માર્ગ પર વહાણોમાં યહોવાહ ફરીથી તને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો પણ તમને કોઈ ખરીદશે નહિ.