Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પુનર્નિયમ

પુનર્નિયમ 32

Help us?
Click on verse(s) to share them!
1હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.
2મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.
3કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ. અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.
4યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.
5તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા. તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.
6ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો શું તમે યહોવાહને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.
7ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો. તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે. તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.
8જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો. જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.
9કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે. યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.
10તે તેઓને ઉજ્જડ દેશમાં, તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા; તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા. અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.
11જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.
12એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં; કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.
13તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા, તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું, તેમણે તેઓને ખડકમાંથી મધ તથા ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું
14તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.
15પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.
16તેઓએ બીજા દેવોની પૂજા કરીને યહોવાહમાં તિરસ્કાર ઉત્પન્ન કર્યો; ધૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.
17તેઓ ભૂતોને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.
18ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા, તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.

19આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.
20તેમણે કહ્યું, “હું મારું મુખ તેઓથી સંતાડીશ,” “તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.
21જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઇર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.
22માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.
23પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
24તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારુણ વિનાશથી ખવાઈ જશે; હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,
25બહાર તરવાર તેઓને પૂરા કરશે, અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,
26હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.
27પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.' અને યહોવાહે આ સર્વ કર્યું નથી.
28કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી.
29તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત, અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!
30જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?
31આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,
32તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે; તેઓની લૂમો કડવી છે.
33તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.
34શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?
35તેનો પગ લપસી જશે; તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે. કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે.”
36કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે, અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી. તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે.

37પછી તે કહેશે કે, 'તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?
38જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!
39હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું, મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા? હું જ મારું છું, અને હું જ જિવાડું છું, હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું; અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.
40હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને, મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,
41જો હું મારી ચળકતી તરવારની ધાર કાઢીશ, અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ, અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.
42જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી, મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તરવાર માંસ ખાશે.”'
43ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો, તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.
44મૂસા અને યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.
45પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.
46ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.
47આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો.”
48તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું,
49“મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.
50અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ.
51કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ.
52કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”