Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - હઝકિયેલ

હઝકિયેલ 43

Help us?
Click on verse(s) to share them!
1પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખૂલતા દરવાજે લાવ્યો,
2જુઓ, ઇઝરાયલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો, તેમનો અવાજ ઘણાં પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશતી હતી.
3જે સંદર્શન મને થયું હતું, એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો, મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું, તેના જેવાં તે સંદર્શનો હતાં ત્યારે હું ઊંધો પડ્યો!
4તેથી યહોવાહનો મહિમા પૂર્વ તરફ ખૂલતા દરવાજેથી ઘરમાં આવ્યો.
5પછી આત્મા મને ઊંચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાહના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું.
6મેં સાંભળ્યુ કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો.
7તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ.
8તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ.
9હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ.
10હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે.
11જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતાં લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે.
12આ સભાસ્થાનનો નિયમ છે: પર્વતનાં શિખરો પરની ચારેબાજુની સરહદો પરમપવિત્ર ગણાય. જો, આ સભાસ્થાનનો નિયમ છે.
13વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: (એક હાથ અને ચાર આંગળાનો સમજવો;) વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
14જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું, મોટો પાયો એક હાથ પહોળો હતો.
15વેદીનું મથાળું કે જેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવામાં આવતું હતું તે ચાર હાથ ઊંચું હતું. તેના મથાળા ઉપર ચાર શિંગડાં હતા.
16વેદીનું મથાળું બાર હાથ લાંબુ તથા પહોળાઇ બાર હાથ સમચોરસ હતી.
17તેની કિનારી ચારે બાજુ ચૌદ હાથ લાંબી તથા ચૌદ હાથ પહોળી હતી, તેની કિનારી અડધો હાથ પહોળી. તેની નીક ચારેબાજુ એક હાથ પહોળી હતી, તેનાં પગથિયાં પૂર્વ બાજુએ હતાં.”
18પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવા વિષે તથા તેના પર રક્ત છાંટવા વિષે આ નિયમો છે”

19પ્રભુ યહોવાહ કહે છે, સાદોકના વંશજોના લેવી યાજકો જે મારી આગળ સેવા કરવા આવે તેને તમારે પશુઓમાંથી એક બળદ પાપાર્થાપર્ણને સારુ આપવો. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેઓને એક વાછરડો આપવો.
20તારે તેમાંથી કેટલુંક રક્ત લઈને વેદીનાં ચાર શિંગડાને તથા વેદીના ચાર ખૂણાને તથા તેની કિનારીને લગાડવું. આ રીતે તારે તેને શુદ્ધ કરીને તેના માટે પ્રાયશ્ચિત કરવું.
21ત્યાર પછી તારે પાપાર્થાર્પણનો બળદ લેવો અને તેને સભાસ્થાનની બહાર નક્કી કરેલી જગ્યાએ બાળી દેવો.
22બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો, જેમ બળદના રક્તથી વેદીને શુદ્ધ કરી હતી તેમ યાજકોએ વેદીને શુદ્ધ કરવી.
23વેદીને શુદ્ધ કરી રહ્યા પછી તારે ખોડખાંપણ વગરનો વાછરડો તથા ટોળામાંથી ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવો.
24તેઓને યહોવાહ સમક્ષ અર્પણ કરવા, યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમનું યહોવાહના દહનીયાર્પણ તરીકે અર્પણ કરવું.
25સાત દિવસ સુધી રોજ તમારે ખોડખાંપણ વગરનો જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો, યાજકોએ ટોળામાંથી ખોડખાંપણ વગરનો વાછરડો તથા ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવા.
26સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.
27તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી, આઠમા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહનીયાર્પણો શાંત્યાપર્ણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ. આમ પ્રભુ યહોવાહ કહે છે.