Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - હઝકિયેલ

હઝકિયેલ 30

Help us?
Click on verse(s) to share them!
1યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી ઉચ્ચાર અને કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: 'આવનાર દિવસ દુઃખમય છે!' એવું બૂમો પાડીને કહો,
3તે દિવસ, એટલે યહોવાહનો દિવસ નજીક છે. તે મેઘોમય દિવસ છે, તે પ્રજાઓ માટે આફતનો દિવસ થશે.
4મિસર વિરુદ્ધ તલવાર આવશે, મારી નંખાયેલા લોકો મિસરમાં પડશે, ત્યારે કૂશમાં દુઃખ થશે- ત્યારે તેઓ તેની સંપત્તિ લઈ જશે અને તેના પાયા તોડી પાડવામાં આવશે.
5કૂશ, પૂટ તથા લૂદ અને બધા પરદેશીઓ, તેમ જ તેઓની સાથે કરારથી જોડાયેલા લોકો પણ તલવારથી પડી જશે.”
6યહોવાહ આમ કહે છે: મિસરને ટેકો આપનારાઓ પડી જશે અને તેઓના સાર્મથ્યનું અભિમાન ઊતરી જશે. મિગ્દોલથી તે સૈયેને સુધી તેઓના સૈનિકો તલવારથી પડી જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
7ઉજ્જડ થઈ ગયેલા દેશોની જેમ તેઓ ઉજ્જડ થશે, વેરાન થઈ ગયેલા દેશની જેમ તેઓ વેરાન થઈ જશે.
8હું મિસરમાં અગ્નિ સળગાવીશ અને તેના બધા મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!
9તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.
10પ્રભુ યહોવાહ આમ કહે છે: “હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હાથે મિસરના સમુદાયનો અંત લાવીશ.
11તે તથા તેની સાથેનું તેનું સૈન્ય, જે પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, તેઓને દેશનો નાશ કરવા માટે લાવવામાં આવશે; તેઓ મિસર સામે પોતાની તરવાર ખેંચશે અને મૃત્યુ પામેલા લોકોથી દેશને ભરી દેશે.
12હું નદીઓને સૂકવી નાખીશ અને હું દેશને દુષ્ટ માણસોના હાથમાં વેચી દઈશ. હું દેશને તથા તેની અંદર જે છે તે બધાને પરદેશીઓને હાથે વેરાન કરી દઈશ. હું યહોવાહ તે બોલ્યો છું.”
13પ્રભુ યહોવાહ કહે છે: “હું મૂર્તિઓનો નાશ કરીશ, હું નોફના પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાં કોઈ રાજકર્તા નહિ રહે, હું મિસર દેશમાં ભય મૂકી દઈશ.
14હું પાથ્રોસને વેરાન કરીશ અને સોઆનમાં અગ્નિ સળગાવીશ, નોનો ન્યાય કરીને સજા કરીશ.
15હું મિસરના સૌથી મજબૂત કિલ્લા સીન પર મારો કોપ રેડી દઈશ, નોનો સમુદાયનો નાશ કરીશ.
16હું મિસરમાં અગ્નિ સળગાવીશ, સીનમાં ભારે આફત આવશે, નોનો ભાંગી પડશે. નોફને દુશ્મનો રાતદિવસ હેરાન કરશે.
17આવેનના તથા પી-બેસેથના જુવાનો તલવારથી માર્યા જશે, તેઓનાં નગરો ગુલામગીરીમાં જશે.
18જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે.

19હું મિસરનો નાશ કરીને તેને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”
20અગિયારમા વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
21“હે મનુષ્યપુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. જુઓ, તને ફરીથી તલવાર પકડી જશે એવો મજબૂત કરવા સારુ દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી.”
22તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે, કે “જુઓ, હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું તેના બન્ને હાથ એટલે મજબૂત તથા ભાંગેલો હાથ ભાંગી નાખીશ, તેના હાથમાંથી તલવાર પાડી નાખીશ.
23હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં વેરવિખેર કરી નાખીશ.
24હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ અને તેના હાથમાં મારી તલવાર આપીશ જેથી હું ફારુનના હાથ ભાંગી નાખીશ. પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ નિસાસા નાખે તેમ તે બાબિલના રાજાની આગળ નિસાસા નાખશે.
25કેમ કે હું બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, ફારુનના હાથ નીચા પડશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તલવાર આપીશ, તે તેનાથી મિસર દેશ પર હુમલો કરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
26હું મિસરીઓને પ્રજાઓમાં વિખેરી નાખીશ અને દેશોમાં સર્વત્ર વેરવિખેર કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”