Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 શમએલ

2 શમએલ 19

Help us?
Click on verse(s) to share them!
1યોઆબને જણાવવાંમાં આવ્યું, “રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે.”
2માટે તે દિવસનો વિજય દાઉદના સર્વ સૈનિકો માટે શોકરૂપ થઈ ગયો હતો. કેમ કે સૈનિકોએ તે દિવસે સાંભળ્યું કે “રાજા પોતાના દીકરા માટે શોક કરે છે.”
3જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.
4રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, “મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”
5પછી યોઆબે રાજાના મહેલમાં જઈને તેને કહ્યું, “તેઓના એટલે તારા સર્વ સૈનિકોના મુખને તેં લજ્જિત કર્યા છે. જેઓએ તારો તારા દીકરાઓનો અને દીકરીઓનો, તારી પત્નીઓના અને ઉપપત્નીઓના જીવ બચાવ્યા હતા.
6કેમ કે જેઓ તને ધિક્કારે છે તેઓને તું પ્રેમ કરે છે, જેઓ તને પ્રેમ કરે છે તેઓને તું ધિક્કારે છે. હે રાજા આજે તેં એ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે સેનાપતિઓ અને સૈનિકો તારી સામે કંઈ નથી. હું વિશ્વાસથી કહું છું કે જો આજે આબ્શાલોમ જીવતો હોત અને અમે બધા મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગ્યું હોત.
7માટે હવે ઊઠીને બહાર આવ અને તમારા સૈનિકોને દિલાસો આપો, કેમ કે હું ઈશ્વરની હાજરીમાં કહું છું કે, જો તું નહિ આવે, તો આજે રાત્રે કોઈ પણ માણસ તારી સાથે રહેશે નહિ. તમારી જુવાનીનાં દિવસથી અત્યાર સુધીમાં જે આફત તારા પર આવી હતી, તે સર્વ કરતાં આ વિપત્તિ તારે માટે વધારે ખરાબ થઈ પડશે.”
8તેથી રાજા ઊઠીને નગરના દરવાજા આગળ જઈને બેઠો સર્વ લોકોને ખબર પડી કે રાજા દરવાજામાં બેઠો છે. પછી સર્વ લોકો રાજાની આગળ આવ્યા. સર્વ ઇઝરાયલીઓ તો પોતપોતાના તંબુઓમાં ચાલ્યા ગયા હતા.
9ઇઝરાયલીનાં બધા કુળોના સર્વ લોકો એકબીજા સાથે દલીલ કરીને કહેતા હતા કે “રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી અને પલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા છે અને હવે આબ્શાલોમને કારણે તે આપણને છોડીને દેશમાંથી જતો રહ્યો છે.
10અને આબ્શાલોમ, જેનો આપણે અભિષેક કરીને આપણો અધિકારી નીમ્યો હતો, તે તો યુદ્ધમાં માર્યો ગયો છે. માટે હવે રાજાને પાછા લાવવા વિષે આપણે કેમ કશું બોલતા નથી?”
11દાઉદ રાજાએ સાદોક અને અબ્યાથાર યાજકોને સંદેશો મોકલ્યો કે “સર્વ ઇઝરાયલીઓ રાજાને પોતાના મહેલમાં પાછા લાવવાની વાતો કરે છે, એ વાત રાજાએ સાંભળી છે, તો યહૂદિયાના વડીલોને કહો કે, રાજાને ફરીથી મહેલમાં લાવવામાં તમે કેમ સૌથી છેલ્લાં છો?
12તમે મારા ભાઈઓ છો, તમે મારા અંગતજનો છો તો પછી રાજાને પાછો લાવવામાં તમે શા માટે સૌથી છેલ્લાં રહ્યા છો?'
13અને અમાસાને કહો, 'શું તું મારો અંગત સ્વજન નથી? જો તું યોઆબની જગ્યાએ સૈન્યનો સેનાપતિ ન બને તો, ઈશ્વર મને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.'”
14અને તેણે યહૂદિયાના સર્વ માણસોના હૃદય એક માણસનાં હૃદયની જેમ જીતી લીધાં. જેથી તેઓએ રાજાને સંદેશો મોકલ્યો, “તું અને તારા બધા માણસો પાછા આવો.”
15તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.
16બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની, જલદીથી યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો.
17તેની સાથે એક હજાર બિન્યામીનીઓ હતા, શાઉલનો ચાકર સીબા અને તેના પંદર દીકરાઓ અને વીસ ચાકરો પણ હતા. તેઓ રાજાની હાજરીમાં યર્દન પાર ઊતર્યા.
18તેઓએ રાજાના કુટુંબને નદી પાર ઉતારવા માટે તથા તેને જે સારુ લાગે તેવું કરવા એક હોડી પેલે પાર મોકલી. રાજા નદી પાર કરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડયો.

19શિમઈએ રાજાને કહ્યું, “મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.
20કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું.”
21પણ સરુયાના દીકરા અબિશાયે કહ્યું “શું શિમઈને મારી નાખવો ના જોઈએ, કેમ કે તેણે ઈશ્વરના અભિષિક્તને શાપ આપ્યો છે?”
22ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?”
23પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, “તું મરશે જ નહિ.” રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
24પછી શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા નીચે આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો હતો તે દિવસથી, તે શાંતિએ પાછો ઘરે આવ્યો ત્યાં સુધી તેણે એટલે કે મફીબોશેથે તેના પગ ધોયા ન હતા, દાઢી કરી ન હતી કે પોતાના વસ્ત્રો પણ ધોયાં ન હતાં.
25અને તેથી જ્યારે તે યરુશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહિ?”
26તેણે જવાબ આપ્યો, “હે મારા માલિક રાજા, મારા ચાકરે મને છેતર્યો છે, કેમ કે મેં તેને કહ્યું, 'હું અપંગ છું તેથી ગધેડા પર જીન બાંધીશ કે જેથી હું તેના પર સવારી કરીને રાજાની પાસે જાઉં,
27મારા માલિક રાજા મારા ચાકર સીબાએ તારી આગળ, મને બદનામ કર્યો છે. પણ મારા માલિક રાજા તું તો ઈશ્વરના દૂત જેવો છે. એટલા માટે તારી નજરમાં જે સારું લાગે તે કર.
28કેમ કે મારા માલિક રાજા આગળ મારા પિતાનું આખું કુટુંબ મૃત્યુ પામેલા માણસ જેવું હતું, પણ જેઓ તારી મેજ પર બેસીને જમતા હતા તેઓની મધ્યે તમે મને બેસાડ્યો છે. તેથી મારા રાજા મારો શો હક કે હું તને વધારે ફરિયાદ કરું?”
29પછી દાઉદે તેને કહ્યું, “શા માટે ગઈ ગુજરી બાબતો તું મને જણાવે છે? મેં નિર્ણય કર્યો છે કે, તું અને સીબા શાઉલની બધી મિલકત વહેંચી લો.”
30મફીબોશેથે રાજાને જવાબ આપ્યો, “ભલે સીબા બધી મિલકત લઈ લે. કેમ કે મારે માટે તો માલિક રાજા સુરક્ષિત પોતાના મહેલમાં પાછા આવ્યા છે એ જ પૂરતું છે.”
31પછી બાર્ઝિલ્લાય ગિલ્યાદી રોગલીમથી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવાને તેની સાથે યર્દન ઊતર્યો હતો.
32હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્વ એટલે કે એંશી વર્ષનો માણસ હતો. તે ઘણો ધનવાન માણસ હતો. રાજાને જયારે માહનાઇમમાં હતો ત્યારે તેણે તેને ખોરાક પૂરો પડ્યો હતો.
33રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું, “મારી સાથે યર્દનને પેલે પાર આવ અને હું યરુશાલેમમાં મારી સાથે તારું પૂરું કરીશ.”
34બાર્ઝિલ્લાયે રાજાને જણાવ્યું “મારી જિંદગીનાં વર્ષોમાં કેટલા દિવસો બાકી રહ્યા છે કે, હે રાજા હું તારી સાથે યરુશાલેમમાં આવું?
35હું એંશી વર્ષનો થયો છું. શું હું સારા કે નરસાને પારખી શકું છું? હું જે ખાઉં કે પીઉં તેનો સ્વાદ માણી શકું છું? શું હું ગીત ગાનાર પુરુષો કે સ્ત્રીઓનો અવાજ સાંભળી શકું છું? તો પછી શા માટે મેં તારા ચાકરે માલિક રાજાને બોજારૂપ થવું જોઈએ?
36હું તો ફક્ત યર્દન પાર ઊતરતાં સુધી જ તારી સાથે આવીશ. શા માટે તારે મને આનો આટલો મોટો બદલો આપવો જોઈએ?

37કૃપા કરી તારા ચાકરને પાછો ઘરે જવા દે, કે હું મારા નગરમાં મારા પિતા અને માતાની પાસે મરણ પામું. પણ જો, આ તારો દાસ કિમ્હામ અહીં મારી પાસે છે. તે ભલે નદી ઊતરીને આવે અને જેમ મારા માલિક રાજાને ઠીક લાગે તેમ તેની સાથે કરજે.”
38રાજાએ જવાબ આપ્યો, “ભલે કિમ્હામ મારી સાથે નદી ઊતરીને આવે અને તને સારું લાગે તે હું તેના માટે કરીશ, તું મારી પાસે જે કંઈ માગીશ તે હું તારા માટે કરીશ.”
39પછી રાજા અને તેના સર્વ લોકોએ યર્દન નદી પાર કરી, રાજાએ બાર્ઝિલ્લાયને ચુંબન કર્યું અને તેને આશીર્વાદ આપ્યો. પછી બાર્ઝિલ્લાય પોતાના ઘરે પાછો ગયો.
40રાજા નદી પાર કરીને ગિલ્ગાલ ગયો અને કિમ્હામ પણ તેની સાથે ગયો. યહૂદિયાનું આખું સૈન્ય અને ઇઝરાયલનું અડધું સૈન્ય રાજાને નદી પાર ઉતારીને લાવ્યા.
41ઇઝરાયલના સર્વ માણસોએ ઉતાવળે રાજા પાસે આવીને કહ્યું, “શા માટે અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ, તમને કેમ ચોરી લીધા છે અને તારા કુટુંબને તથા તારી સાથે સર્વ માણસોને યર્દન પાર લઈ ગયા છે?”
42તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?”
43ઇઝરાયલના માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “રાજામાં અમારા દસ ભાગ છે, દાઉદ પર તમારા કરતાં વધારે અમારો હક છે. તમે શા માટે અમને તુચ્છ ગણો છો? અમારા રાજાને પાછો લાવવા વિષે અમારી સલાહ કેમ લીધી નહિ શું અમે ન હતા?” પણ યહૂદિયાના માણસોના શબ્દો ઇઝરાયલી માણસોના શબ્દો કરતા વધારે ઉગ્ર હતા.