Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 શમએલ

2 શમએલ 14

Help us?
Click on verse(s) to share them!
1હવે સરુયાના દીકરા યોઆબને લાગ્યું કે, રાજાનું હૃદય આબ્શાલોમને જોવાની અગમ્ય ઇચ્છા ધરાવે છે.
2તેથી યોઆબે તકોઆમાં ખબર મોકલીને ત્યાંથી એક જ્ઞાની સ્ત્રીને તેડાવી પછી તેને કહ્યું, “કૃપા કરીને તું શોક કરનારનાં જેવો ઢોંગ કર અને શોકના વસ્ત્રો પહેર. કૃપા કરી તારા પોતાના પર તેલ ન લગાવ, પણ મૃત્યુ પામેલાંને માટે લાંબા સમયથી શોક કરનાર સ્ત્રીના જેવી તું થા.
3પછી હું તને જે કહું તે પ્રમાણે રાજા પાસે જઈને તેને કહે.” પછી યોઆબે તેને એ વાત કહી કે જે તેણે જઈને રાજાને કહેવાની હતી.
4પછી તકોઆની તે સ્ત્રી રાજાની સાથે વાત કરવા ગઈ. ત્યારે તેણે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, મને મદદ કર.”
5રાજાએ તેને કહ્યું કે, “તારી સાથે શું ખરાબ થયું છે?” તેણે જવાબ આપ્યો કે, સાચી વાત એ છે કે હું વિધવા છું અને મારો પતિ મરણ પામ્યો છે.
6મારે બે દીકરા હતા, તે બન્ને ખેતરમાં લડી પડ્યા. ત્યાં તેઓને અલગ કરનાર કોઈ ન હતું. એક ભાઈએ બીજા ભાઈ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.
7અને હવે, આખું કુટુંબ મારી વિરુદ્ધ ઊઠ્યું છે, તેઓએ કહ્યું, 'જેણે તેના ભાઈને મારી નાખ્યો છે, તેને અમારા હાથમાં સોંપ, કે તેના ભાઈને મારી નાખ્યો તેના બદલામાં અમે તેને પણ મારી નાખીએ.' આમ કરીને તેઓ વારસનો પણ નાશ કરશે. મારા કુળનો નાશ કરશે અને બાકી રહેલો મારો વંશ, મારા પતિનું નામ કે કુળનું નામ તેઓ પૃથ્વી પર રહેવા દેશે નહિ.”
8તેથી રાજાએ તે સ્ત્રીને કહ્યું કે, “તારા ઘરે જા, તારા વિષે કંઈ કરવા માટે હું હુકમ આપીશ.”
9તકોઆની સ્ત્રીએ રાજાને જવાબ આપ્યો, “મારા માલિક રાજા, આ દોષ મારા પર તથા મારા પિતાના ઘર પર આવો. રાજા તથા તેનું રાજ્યાસન નિર્દોષ રહો.”
10રાજાએ કહ્યું, “જો કોઈ તને કશું કહે, તેને મારી પાસે લાવ અને તે હવેથી તારું નામ લેશે નહિ.”
11પછી તેણે કહ્યું કે, “કૃપા કરી, હે રાજા પોતાના પ્રભુ ઈશ્વરનું સ્મરણ કર, લોહીનો બદલો લેનારા હવે કોઈનો નાશ કરે નહિ, કે જેથી તેઓ મારા દીકરાનો નાશ કરે નહિ.” રાજાએ જવાબ આપ્યો કે, “જીવતા ઈશ્વરના સમ, તારા દીકરાનો એક વાળ પણ હું જમીન પર પડવા નહિ દઉં.”
12પછી તે સ્ત્રીએ કહ્યું કે, “કૃપા કરી હવે તારી દાસીને એક વાત મારા માલિક રાજાને કહેવા દે.” તેણે કહ્યું, “બોલ.”
13તેથી તે સ્ત્રીએ કહ્યું,” શા માટે તેં ઈશ્વરના લોકો વિરુદ્ધ આવી યુક્તિની યોજના કરી છે? કેમ કે આ બાબત બોલતાં રાજા એક દોષી વ્યક્તિ જેવો લાગે છે, કેમ કે રાજા પોતાના દેશનિકાલ કરેલા દીકરાને પાછો ઘરે લાવતો નથી.
14કેમ કે આપણા સર્વનું મૃત્યુ નિશ્ચિત છે અને જેમ જમીન ઉપર ઢળેલું પાણી જે ફરીથી ઉપર ભેગું કરાતું નથી, તેના જેવા છીએ. ઈશ્વર કોઈનો જીવ લેતા નથી; પણ, જેને તેમણે પોતાનાથી દૂર કર્યા છે તેને પાછો લાવે છે.
15તેથી મારા માલિક રાજાને આ વાત કહેવાને હું આવી છું, તેનું કારણ એ છે કે લોકોએ મને બીવડાવી છે. જેથી તારી દાસીએ પોતાને કહ્યું કે, 'હવે હું રાજા સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી અમલમાં મૂકે.
16કેમ કે રાજા મારું સાંભળીને, જે માણસ મારા દીકરા સાથે ઈશ્વરના વારસામાંથી નાશ કરવાને ઇચ્છે છે, તેના હાથમાંથી મને છોડાવશે.
17પછી મેં પ્રાર્થના કરી કે, કૃપા કરી, 'ઈશ્વર, મારા મુરબ્બી રાજાની વાત મને શાંતિરૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારું અને નરસું પારખવામાં ઈશ્વરના જેવો છે.' ઈશ્વર તમારો પ્રભુ તમારી સાથે હો.
18પછી રાજાએ તે સ્ત્રીને કહ્યું, “કૃપા કરીને જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ મારાથી છુપાવીશ નહિ.” તે સ્ત્રીએ જવાબ આપ્યો, “મારા માલિક રાજા બોલો.

19રાજાએ કહ્યું, “આ સર્વમાં શું યોઆબનો હાથ તારી સાથે નથી?” તે સ્ત્રીએ જવાબ આપ્યો કે, “મારા માલિક રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો માલિક રાજા બોલ્યો છે તે તદ્દન સાચી વાત છે. તારા સેવક યોઆબે મને આજ્ઞા આપી અને તેણે આ વાતો મને કહેલી હતી.
20વાતને યોગ્ય રીતે રજૂ કરવા માટે યોઆબે આ કામ કર્યું છે. ભૂમિ પર જે સર્વ બને છે તે જાણવામાં મારા માલિક તો ઈશ્વરના જેવો જ્ઞાની છે.”
21તેથી રાજાએ યોઆબને કહ્યું, “હવે જો, હું આ કામ કરીશ. માટે જા, જુવાન આબ્શાલોમને પાછો લઈ આવ.”
22યોઆબે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને રાજાનો આદર કરીને ધન્યવાદ આપ્યો. યોઆબે કહ્યું, “હે મારા માલિક રાજા, આજે તારો દાસ હું જાણું છું કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી સ્વીકારી છે.”
23તેથી યોઆબ ઊઠીને ગશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લાવ્યો.
24રાજાએ કહ્યું, “તે પાછો ફરીને પોતાના ઘરે જાય, પણ મારું મુખ ન જુએ.” તેથી આબ્શાલોમ વળીને તેના ઘરે ગયો, પણ રાજાનું મુખ જોવા પામ્યો નહિ.”
25હવે આખા ઇઝરાયલમાં કોઈ પણ માણસ સૌંદર્યની બાબતમાં આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગનાં તળિયાંથી તે તેના માથા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.
26તેના માથાના વાળ વધવાથી તે દર વર્ષને અંતે માથાના વાળ કપાવતો, ત્યારે તે પોતાના માથાના વાળનું વજન કરાવતો હતો. તેનું વજન રાજાના તોલ પ્રમાણે બસો શેકેલ થતું.
27આબ્શાલોમને ત્રણ દીકરા અને એક દીકરી હતાં, જેનું નામ તામાર હતું. તે સુંદર કન્યા હતી.
28આબ્શાલોમ રાજાનું મુખ જોયા વગર યરુશાલેમમાં પૂરા બે વર્ષ રહ્યો.
29પછી આબ્શાલોમે યોઆબને રાજા પાસે સંદેશ મોકલવા માટે તેડાવ્યો, પણ યોઆબ તેની પાસે આવ્યો નહિ. તેથી આબ્શાલોમે ફરી બીજીવાર સંદેશ મોકલ્યો, તેમ છતાં યોઆબ આવ્યો નહિ.
30તેથી આબ્શાલોમે તેના ચાકરોને કહ્યું કે, ''યોઆબનું ખેતર મારા ખેતરની પાસે છે અને તેમાં જવની વાવણી કરેલ છે. જઈને તેને આગથી બાળી નાખો.” તેથી આબ્શાલોમના ચાકરોએ તેના ખેતરમાં આગ લગાડી.
31ત્યારે યોઆબે આબ્શાલોમના ઘરે આવીને તેને કહ્યું, “તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?”
32આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે, “જો, મેં તને સંદેશો મોકલાવ્યો હતો કે, 'તું અહીં આવ કે જેથી હું તારા દ્વારા રાજાને ખબર મોકલું કે, “હું ગશૂરથી શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારા માટે વધારે સારું થાત. માટે હવે રાજા સાથે મારી રૂબરૂ મુલાકાત કરાવ. અને જો તેને મારામાં દોષ દેખાય તો તે ભલે મને મારી નાખે.'''”
33તેથી યોઆબે રાજાને એ બાબત જણાવી. પછી રાજાએ આબ્શાલોમને બોલાવ્યો, ત્યારે તેણે રાજા પાસે આવીને તેમને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબ્શાલોમને ચુંબન કર્યું.