1જુઓ! યહોવાહ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ કરે છે, તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરવિખેર કરી નાખે છે.
2જેવી લોકની, તેવી યાજકની; જેવી ચાકરની, તેવી જ તેના શેઠની; જેવી દાસીની, તેવી જ તેની શેઠાણીની; જેવી ખરીદનારની, તેવી જ વેચનારની; જેવું ઉછીનું આપનારની, તેવી જ લેનારની; જેવી લેણદારની, તેવી જ દેણદારની સ્થિતિ થશે.
3પૃથ્વી સંપૂર્ણ ખાલી કરાશે અને તદ્દન ઉજ્જડ કરાશે, કેમ કે યહોવાહ આ વચન બોલ્યા છે.
4પૃથ્વી સુકાઈ જાય છે અને જીર્ણ થઈ જાય છે, દુનિયા સુકાઈને સંકોચાઈ જાય છે, પૃથ્વીના અગ્રણી લોકો ક્ષીણ થતા જાય છે.
5પૃથ્વી તેના રહેવાસીઓનાં પાપ રૂપી ઉલ્લંઘનોને લીધે, વિધાનનો અનાદર કર્યાને લીધે ભ્રષ્ટ થઈ છે અને તેણે સનાતન કરારનો ભંગ કર્યો છે.
6તેથી શાપ પૃથ્વીને ગળી જાય છે અને તેના રહેવાસીઓ અપરાધી ઠર્યા છે. પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે અને થોડાં જ માણસો બાકી રહ્યાં છે.
7નવો દ્રાક્ષારસ સુકાઈ જાય છે, દ્રાક્ષાવેલો કરમાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.
8ખંજરીના હર્ષનો અવાજ બંધ થાય છે અને હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી; વીણાનો હર્ષ બંધ પડે છે.
9તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ અને દારૂ પીનારાને તે કડવો લાગશે.
10ભારે અવ્યવસ્થાનું નગર તૂટી પડ્યું છે; દરેક ઘરો બંધ અને ખાલી કરવામાં આવ્યા છે.
11રસ્તાઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ ઓસરી ગયેલો છે, પૃથ્વી પરથી આનંદ લોપ થયો છે.
12નગરમાં પાયમાલી થઈ રહી છે અને દરવાજા તોડીને વિનાશ થઈ રહ્યો છે.
13પૃથ્વીમાં લોકો ઝુડાયેલા જૈતૂન વૃક્ષ જેવા, તથા દ્રાક્ષાને વીણી લીધા પછી બાકી રહેલા દ્રાક્ષાવેલા જેવા થશે.
14તેઓ મોટે સાદે બૂમ પાડશે અને યહોવાહના મહિમાને લીધે આનંદથી સમુદ્રને સામે પારથી પોકારશે.
15તેથી પૂર્વમાં યહોવાહનો મહિમા ગાઓ અને સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નામને મહિમા આપો.
16પૃથ્વીને છેડેથી આપણે, “ન્યાયીનો મહિમા થાઓ” એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, “હું વેડફાઈ જાઉં છું, હું વેડફાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; હા, ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.”
17હે પૃથ્વીવાસીઓ, ભય, ખાડો તથા ફાંદો તમારા પર આવી પડ્યો છે.
18જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળશે તે ફાંદામાં પડશે. આકાશની બારીઓ ખોલવામાં આવશે અને પૃથ્વીના પાયા હલાવવામાં આવશે.
19પૃથ્વી તદ્દન તૂટી ગયેલી છે, પૃથ્વીના ચૂરેચૂરા કરવામાં આવશે; પૃથ્વીને હિંસક રીતે હલાવવામાં આવશે.
20પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે. તેનો અપરાધ તેના પર ભારરૂપ થઈ પડશે, તે પડશે અને ફરીથી ઊઠશે નહિ.
21તે દિવસે યહોવાહ ઉચ્ચસ્થાનના સૈન્યને આકાશમાં તથા પૃથ્વી પર પૃથ્વીના રાજાઓને સજા કરશે.
22તેઓ કારાગૃહમાં બંદીવાનોને એકત્ર કરશે અને તેઓને બંદીખાનામાં બંધ કરવામાં આવશે; અને ઘણા દિવસો પછી તેઓનો ન્યાય કરવામાં આવશે.
23ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.