Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યશાયા

યશાયા 25

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે.
2કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે.
3તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; ક્રૂર દેશોનું શહેર તમારાથી બીશે.
4જ્યારે ક્રૂર લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે, ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર, તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો.
5સૂકી જગામાં તડકાની જેમ, તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો; જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ જુલમીઓનું ગાયન મંદ કરવામાં આવશે.
6આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે.
7જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે, તેનો આ પર્વત પર તે નાશ કરશે.
8તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.
9તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉધ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉધ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”
10કેમ કે યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે; અને જેમ ઉકરડાનાં પાણીમાં ઘાસ ખુંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખુંદાશે.
11જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે; અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે.
12તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.