1માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.
2જે વાતો ઘણાં સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.
3માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
4યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.
5વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
6મહેનત કરનાર ખેડૂતને પ્રથમફળ મળવાં જોઈએ.
7હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે.
8ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા અને જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ;
9જે સુવાર્તાને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરનું વચન બંધનમાં નથી.
10હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે તેઓ અનંત મહિમા સહિત પામે.
11આ વચન વિશ્વાસયોગ્ય છે જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ;
12જો આપણે અંત સુધી ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો ઈસુ ખ્રિસ્ત આપણો પણ નકાર કરશે;
13જો આપણે અવિશ્વાસી હોઈએ, તોપણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.
14તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ તેઓને એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈ પણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે.
15જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર.
16પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતાં જશે,
17અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે એવા માણસોમાંના હુમનાયસ તથા ફિલેતસ છે.
18મરણોત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે.
19પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, 'પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે અન્યાયથી દૂર થવું.'
20મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે અને કેટલાક હલકાં કાર્યોને માટે હોય છે.
21એ માટે જો કોઈ તેઓથી હલકાં કાર્યોથી પોતાને દૂર રાખીને શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.
22વળી જુવાનીનાં આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.
23મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે.
24પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ;
25વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પશ્ચાતાપ કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
26અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.