Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત

ગીતોનું ગીત 4

Help us?
Click on verse(s) to share them!
1મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં, બકરાનાં ટોળાં જેવા લાગે છે.
2તારા દાંત તરત કતરાયેલ તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે, તેઓમાંની કોઈ વાંઝણી નથી.
3તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે; તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ, તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે.
4શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ, જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.
5હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.
6સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લોબાનના ડુંગર પર જઈશ.
7મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે તારામાં કોઈ ખોડ નથી.
8હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, ચિત્તાઓના પર્વતોની ગુફામાંથી આવ.
9હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તેં મારું હૃદય મોહી લીધું છે તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.
10મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તારો પ્રેમ કેવો મધુર છે! દ્રાક્ષારસ કરતાં તારો પ્રેમ કેટલો ઉત્તમ છે? તથા તારા અત્તરની ખુશ્બો સર્વ પ્રકારના સુગંધિત દ્રવ્યો કરતાં કેટલી ઉત્તમ છે.
11મારી નવવધૂ, મધપૂડાની જેમ તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે; તારી જીભ નીચે મધ તથા દૂધ છે; તારા વસ્રોની ખુશ્બો લબાનોનની ખુશ્બો જેવી છે.
12મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, બંધ કરેલી વાડી; બાંધી દીધેલો ઝરો, બંધ કરી દીધેલો કૂવા જેવી છે.
13તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓના છોડ જેવી છે જેને મૂલ્યવાન ફળ લાગેલાં છે. જેમાં મેંદી અને જટામાસીના છોડવાઓ છે,
14જટામાસી અને કેસર, મધુર સુગંધી બરુ, તજ અને સર્વ પ્રકારના લોબાનનાં વૃક્ષો, બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધી દ્રવ્યો છે.
15તું બાગમાંના ફુવારા જેવી, જીવંતજળનાં પાણી જેવી, લબાનોનના વહેતા ઝરણાં જેવી છે.
16હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં તું વા કે જેથી તેની સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને પોતાનાં મનોહર ફળો ખાય.