Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત

ગીતોનું ગીત 8

Help us?
Click on verse(s) to share them!
1જો તું મારી માના થાનને ધાવેલો મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત, ત્યારે હું તને ચુંબન કરત, તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ.
2હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે, અને તું મને શીખવત. હું તને મસાલેદાર દ્રાક્ષારસ, અને તને મારા દાડમનો રસ પીવાને આપત.
3તેનો ડાબો હાથ મારા માથા નીચે છે; તેનો જમણો હાથ મને આલિંગન કરે છે.
4ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને જગાડશો નહી.
5પોતાના પ્રીતમ પર ટેકીને રણમાંથી, આ યુવતી કોણ આવે છે? મેં તેને સફરજનના વૃક્ષ નીચે જગાડયો; જ્યાં તારી માતા જન્મ આપતાં કષ્ટાતી હતી; ત્યાં તેણે તને જન્મ આપ્યો.
6મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ. કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. અને ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.
7ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ, જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી. જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે, તોપણ તેને લોકો ધિક્કારે છે.
8અમારે એક નાની બહેન છે, હજી તે પુખ્ત થયેલી નથી, હવે જે દિવસે તેનું માગું આવશે ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું?
9જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું અને જો તે દ્વાર હોય તો અમે તેને અરેજવૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.
10હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે; જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
11સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
12મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
13હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
14હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.