Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 કાળવ્રત્તાંત

2 કાળવ્રત્તાંત 2

Help us?
Click on verse(s) to share them!
1હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો.
2સુલેમાને સિત્તેર હજાર માણસોને ભાર ઊંચકવા માટે, એંશી હજાર માણસોને પર્વતોમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસો માણસોને તેઓના પર દેખરેખ રાખવા મુકાદમ તરીકે કામે રાખ્યા.
3સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.
4જુઓ, હું મારા ઈશ્વર યહોવા માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.
5હું જે ઘર બાંધવાનો છું તે ઘણું મોટું છે, કારણ કે આપણા ઈશ્વર બીજા સર્વ દેવો કરતાં મહાન છે.
6તો પણ તેમને માટે સભાસ્થાન બાંધવાને કોણ સક્ષમ છે? કારણ કે સમગ્ર વિશ્વમાં અને આકાશોના આકાશમાં તેમનો સમાવેશ થઈ શકે તેમ નથી. તો પછી હું કોણ કે તેમને માટે સભાસ્થાન બાંધું? એ તો માત્ર તેમની સમક્ષ અર્પણ કરવાને માટે જ છે.
7તેથી સોનાના, ચાંદીના, પિત્તળના, લોખંડના, જાંબુડિયા, ઘાટા લાલ, આસમાની રંગના વસ્ત્રના કામમાં બાહોશ તથા કોતરણી કોતરવામાં નિપુણ એવા માણસોને મારી પાસે મોકલ. યહૂદિયામાં તથા યરુશાલેમમાં મારી પાસે જે કુશળ પુરુષો છે, તેઓને તો મારા પિતા દાઉદે પૂરા પાડ્યા છે. તું જેઓને મોકલે તેઓ તેઓની સાથે રહીને કામ કરશે.
8લબાનોનમાંથી એરેજવૃક્ષો, દેવદારનાં વૃક્ષો, ચંદનના વૃક્ષો મારા માટે મોકલી આપો; કેમ કે હું જાણું છું કે તારા ચાકરો લબાનોનમાં લાકડાં કાપવામાં કુશળ છે. જુઓ, મારા ચાકરો,
9મારા માટે પુષ્કળ લાકડાં તૈયાર કરવા તમારા ચાકરોની સાથે રહેશે; કેમ કે જે સભાસ્થાન બનાવવા હું જઈ રહ્યો છું તે ઘણું અદ્દભુત અને ભવ્ય થશે.
10જુઓ, હું તમારા ચાકરોને, એટલે લાકડાં કાપનારાઓને વીસ હજાર માપ ઝૂડેલા ઘઉં, વીસ હજાર ગૂણ જવ, વીસ હજાર બાથ (એક લાખ એંશી હજાર ગેલન) દ્રાક્ષારસ અને વીસ હજાર બાથ તેલ આપીશ.”
11પછી તૂરના રાજા હિરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: “ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે.”
12આ ઉપરાંત, હિરામે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની પ્રશંસા હો! તેમણે આકાશ તથા પૃથ્વી બનાવ્યાં અને તેમણે દાઉદ રાજાને જ્ઞાની, બુદ્ધિશાળી તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે, જે ઈશ્વરના નામે સભાસ્થાન અને પોતાના માટે રાજમહેલ બંધાવનાર છે.
13હવે હું તારી પાસે મારો એક નિપુણ માણસ તે ઘણો હોશિયાર છે તેને હિરામ-અબીને ભેટ તરીકે મોકલું છું,
14તે દાન કુળની એક સ્ત્રીનો દીકરો છે. તેનો પિતા તૂરનો માણસ હતો. તે સોનાચાંદીની, પિત્તળની, લોખંડની, કિમતી પથ્થરની, લાકડાની તેમ જ જાંબુડિયા, કિરમજી, ભૂરા રંગની કામગીરીમાં કુશળ છે. તે કોઈપણ પ્રકારનું કોતરકામ કરવામાં પણ હોશિયાર છે. તો મારા માલિક તથા તારા પિતા દાઉદના કારીગરોની સાથે તેની નિમણૂક કરજે.
15હવે, મારા માલિકે જણાવ્યાં મુજબ ઘઉં, જવ, તેલ અને દ્રાક્ષારસ તે સર્વ તારા ચાકરોને માટે તું મોકલી આપ.
16તારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું. અને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રના માર્ગે યાફામાં તારી પાસે લાવીશું અને ત્યાંથી તું તે યરુશાલેમ લઈ જજે.”
17જે વિદેશીઓ ઇઝરાયલના દેશમાં રહેતા હતા તેઓ સર્વની સુલેમાને, તેના પિતા દાઉદે ગણતરી કરી હતી. તે પ્રમાણે, તેઓની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો હતી.
18તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.