Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 16

1 રાજઓ 16:13-30

Help us?
Click on verse(s) to share them!
13કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યાં હતાં અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાહને રોષ ચઢાવ્યો હતો.
14એલાનાં બાકીનાં સર્વ કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
15યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે ઝિમ્રીએ તિર્સામાં ફક્ત સાત દિવસ રાજ કર્યુ. હવે તે વખતે ઇઝરાયલી સૈન્યએ પલિસ્તીઓના ગિબ્બથોનના શહેર તરફ છાવણી નાખી.
16જ્યારે સેનાને ખબર પડી કે “ઝિમ્રીએ રાજા વિરુદ્ધ બંડ કરી તેનું ખૂન કર્યુ છે.” ત્યારે તે દિવસે છાવણીમાં તેઓએ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલ પર નવા રાજા તરીકે જાહેર કર્યો.
17ઓમ્રીએ અને આખી ઇઝરાયલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાને ઘેરો ઘાલ્યો.
18જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો.
19યરોબામના માર્ગમાં તથા ઇઝરાયલની પાસે તેણે જે પાપ કરાવ્યું હતું તેમાં ચાલવાથી અને યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કરીને તેણે જે જે પાપો કર્યા તેને લીધે આ બન્યું હતું.
20ઝિમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે કરેલો રાજદ્રોહ તે સર્વ વિષે ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
21ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો.
22પણ જે લોકો ઓમ્રીને અનુસરતા હતા, તેઓ તિબ્નીને અનુસરનારા લોકો કરતાં વધુ બળવાન હતા. તેથી તિબ્નીને મારી નાખવામાં આવ્યો અને ઓમ્રી રાજા થયો.
23યહૂદિયાના રાજા આસાના એકત્રીસમા વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે છ વર્ષ તિર્સામાં રાજ કર્યું.
24તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરુન પાડયું.
25ઓમ્રીએ યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વિશેષ દુરાચારો કર્યા.
26તે નબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયલ પાસે પણ પાપ કરાવ્યાં તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યાં.
27ઓમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેણે જે પરાક્રમો બતાવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
28પછી ઓમ્રી તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને સમરુનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો.
29યહૂદિયાના રાજા આસાના આડત્રીસમા વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં બાવીસ વર્ષ સુધી રાજ કર્યું.
30ઓમ્રીના પુત્ર આહાબે યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વધારે દુરાચારો કર્યા.

Read 1 રાજઓ 161 રાજઓ 16
Compare 1 રાજઓ 16:13-301 રાજઓ 16:13-30