Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ

1 રાજઓ 8

Help us?
Click on verse(s) to share them!
1પછી સુલેમાને ઇઝરાયલના સર્વ વડીલો તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલના લોકોના કુટુંબોના સર્વ આગેવાનોને યરુશાલેમમાં તેની સમક્ષ એકત્ર કર્યા. જેથી તેઓ દાઉદના સિયોન નગરમાંથી ઈશ્વરનો કરારકોશ લાવે.
2તેઓ બધા એથાનિમ માસ એટલે કે સાતમા માસમાં પર્વના સમયે રાજા સુલેમાન સમક્ષ ભેગા થયા.
3ઇઝરાયલના બધા જ વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો.
4યાજકો અને લેવીઓ ઈશ્વરનો કરારકોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા.
5રાજા સુલેમાન અને ઇઝરાયલના ભેગા થયેલા તમામ લોકો કરારકોશની સમક્ષ ઉપસ્થિત થયા અને તેઓએ અસંખ્ય ઘેટાં અને બળદોનાં અર્પણો ચઢાવ્યાં.
6યાજકો ઈશ્વરના કરારકોશને તેની જગ્યાએ એટલે ભક્તિસ્થાનની અંદરના ખંડમાં, પરમ પવિત્રસ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા.
7કેમ કે કરારકોશની જગ્યા પર કરુબોની પાંખો ફેલાયેલી હતી. કરારકોશ પર અને તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું.
8તે દાંડાઓ એટલા લાંબા હતા કે તેમને પરમ ઈશ્વરવાણી આગળના પવિત્ર સ્થાનમાંથી જોઈ શકાતા હતા, પરંતુ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં છે.
9ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા તે વખતે ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે શિલાપાટીઓ કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ જ નહોતું.
10જયારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે એમ બન્યું કે ઈશ્વરનું ભક્તિસ્થાન વાદળથી ભરાઈ ગયું.
11તે વાદળના કારણે યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહિ કેમ કે આખું ભક્તિસ્થાન ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું હતું.
12પછી સુલેમાને કહ્યું, “ઈશ્વરે કહ્યું છે કે, હું ગાઢ અંધકારમાં રહીશ,
13પરંતુ તમારે માટે મેં એક ભક્તિસ્થાન બાંધ્યુ છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરો.”
14પછી રાજા ઇઝરાયલના લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા.
15તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, પ્રભુની સ્તુતિ થાઓ, જેમણે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના હાથે પૂરું કર્યું છે.
16એટલે, 'હું મારા લોકો ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇઝરાયલના કોઈ કુળસમૂહના પ્રદેશમાંથી મારા માટે ભક્તિસ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માટે મેં દાઉદની પસંદગી કરી હતી.'
17“હવે મારા પિતા દાઉદના હૃદયમાં એમ હતું કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામ માટે એક ભક્તિસ્થાન બાંધવું.
18પરંતુ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, 'મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનું તારા હૃદયમાં રાખ્યું હતું, એ તેં સારું કર્યું હતું.

19પણ તે ભક્તિસ્થાન તું બનાવીશ નહિ, પણ તારા પછી જનમનાર તારો પુત્ર મારા નામ માટે ભક્તિસ્થાન બાંધશે.'
20“હવે ઈશ્વરે પોતાનું વચન પાળ્યું છે. ઈશ્વરે વચન આપ્યા પ્રમાણે, હું મારા પિતા દાઉદ પછી ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું. મેં ઇઝરાયલના ઈશ્વરના નામને અર્થે ભક્તિસ્થાન બાંધ્યું છે.
21ત્યાં મેં કોશને માટે જગ્યા બનાવી, જે કોશમાં ઈશ્વરનો કરાર છે, એ કરાર તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા ત્યારે કર્યો હતો.”
22સુલેમાને ઈશ્વરની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ ઊંચા કર્યા.
23તેણે કહ્યું, “હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.
24તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા તથા તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે થયું છે તેમ.
25હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, 'મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.'
26હવે પછી, હે ઇઝરાયલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો.
27પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!
28તેમ છતાં, હે મારા પ્રભુ ઈશ્વર, કૃપા કરીને આ તમારા સેવકની પ્રાર્થના પર તથા વિનંતિ પર લક્ષ આપીને આજે તમારો સેવક જે વિનંતિ તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે સાંભળો.
29આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિષે તમે કહ્યું છે કે 'ત્યાં મારું નામ તથા હાજરી રહેશે.' તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે, તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો.
30તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.
31જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે અને તેને સમ ખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે અને જો તે આવીને આ ભક્તિસ્થાનમાં તમારી વેદીની સમક્ષ સમ ખાય,
32તો તમે આકાશમાં સાંભળજો અને તે પ્રમાણે કરજો. તમારા સેવકનો ન્યાય કરીને અપરાધીને દોષિત ઠરાવી તેની વર્તણૂક તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયીપણા પ્રમાણે તેને આપજો.
33જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરવાને કારણે દુશ્મનોના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે અને આ ભક્તિસ્થાનમાં તમારી આગળ વિનંતિ કરીને ક્ષમા માગે,
34તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયલનાં પાપોની ક્ષમા કરજો; જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.
35તેઓએ તમારી વિરુદ્ધ કરેલાં પાપને કારણે જયારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,
36તો તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોકો ઇઝરાયલનાં પાપની ક્ષમા કરજો, જયારે તમે તેઓને ક્યા માર્ગે ચાલવું જોઈએ તે તેઓને શીખવો, ત્યારે તમારો જે દેશ તમે તમારા લોકોને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો.

37જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,
38જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોકો પોતપોતાના હૃદયના દુઃખ જાણીને જે કંઈ પ્રાર્થના તથા વિનંતિ કરે અને પોતાના હાથ આ ભક્તિસ્થાન તરફ ફેલાવે,
39તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપજો; દરેક માણસનું હૃદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો, કેમ કે તમે અને ફક્ત તમે જ સર્વ મનુષ્યોનાં હૃદયો જાણો છો.
40જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.
41વળી વિદેશીઓ જે તમારા ઇઝરાયલ લોકોમાંના નથી: તે જયારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે,
42કેમ કે તેઓ તમારા મોટા નામ વિષે, તમારા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ વિષે સાંભળે અને તે આવીને આ ભક્તિસ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે,
43ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે વિદેશીઓ તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, જેથી આખી પૃથ્વીના સર્વ લોકો તમારું નામ જાણે તથા તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે. એ પ્રમાણે તમે કરજો કે જેથી તેઓ જાણે કે આ મારું બાંધેલું ભક્તિસ્થાન તમારા નામથી ઓળખાય છે.
44જે રસ્તે તમે તમારા લોકોને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ ઈશ્વરની પ્રાર્થના કરે,
45તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની વિનંતિ તમે સાંભળજો અને તેમને મદદ કરજો.
46જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી અને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને દુશ્મનોના હાથમાં સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના દુશ્મન દેશમાં લઈ જાય.
47પછી જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે અને પોતાને બંદીવાન કરીને લઈ જનારાં દેશમાં તેઓ તમારી આગળ વિનંતિ કરીને કહે 'અમે પાપ કર્યું છે અને અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કામ કર્યું છે.'
48તેઓને બંદીવાન કરીને લઈ જનારાં તેઓના દુશ્મનોના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે અને તેઓનો જે દેશ તેઓના પૂર્વજોને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું તથા જે ભક્તિસ્થાન તમારા નામને અર્થે મેં બાંધ્યું છે, તેમની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે,
49તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના, વિનંતિ તમે સાંભળજો અને તેમની મદદ કરજો.
50તમારી વિરુદ્ધ તમારા જે લોકોએ પાપ કર્યું તેમને તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘનો કર્યા તે સર્વની ક્ષમા આપજો. તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો, કે જેથી તેઓના દુશ્મનો તેમના પર દયા રાખે.
51તેઓ તમારા લોકો છે તેઓને તમે પસંદ કર્યા છે અને તમે મિસરમાંથી લોખંડની ભઠ્ઠી મધ્યેથી બહાર લાવ્યા છો.
52હું પ્રાર્થના કરીશ કે તમારા સેવકની તથા તમારા ઇઝરાયલ લોકોની વિનંતિ પર તમારી આંખો ખુલ્લી રહે, જયારે તેઓ તમને વિનંતિ કરે ત્યારે તમે તેઓનું સાંભળજો.
53કેમ કે હે પ્રભુ ઈશ્વર, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા તે સમયે તમારા સેવક મૂસાની મારફતે બોલ્યા હતા, તેમ તેઓને તમારા વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે.”
54ઈશ્વરની વેદી સમક્ષ ઘૂંટણે પડીને તથા આકાશ તરફ હાથ લંબાવીને સુલેમાન આ બધી પ્રાર્થના તથા વિનંતીઓ પૂરી કરી રહ્યો પછી તે ત્યાંથી ઊભો થયો.

55તેણે ઊઠીને મોટે અવાજે ઇઝરાયલની આખી સભાને આશીર્વાદ આપતા કહ્યું,
56“ઈશ્વરની સ્તુતિ થાઓ, જેમણે પોતાનાં આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલી લોકોને વિશ્રામ આપ્યો છે. જે સર્વ વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યાં હતાં તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી.
57આપણા ઈશ્વર જેમ આપણા પિતૃઓની સાથે હતા તેમ આપણી સાથે સદા રહો, તે કદી આપણને તરછોડે નહિ, અથવા આપણો ત્યાગ ન કરે,
58તે આપણાં હૃદયને તેઓની તરફ વાળે કે જેથી આપણે તેમના માર્ગમાં જીવીએ, તેમની આજ્ઞા પાળીએ અને તેમણે જે વિધિઓ તથા નિયમો આપણા પૂર્વજોને ફરમાવ્યા હતા તેનું પાલન કરીએ.
59મારા આ શબ્દો જે હું બોલ્યો છું, જે દ્વારા મેં ઈશ્વરની આગળ વિનંતી કરી છે તે રાત દિવસ ઈશ્વરની સમક્ષતામાં રહો જેથી તે રોજરોજ ઊભી થતી જરૂરિયાત પ્રમાણે પોતાના સેવક અને પોતાના ઇઝરાયલીઓ લોકોની મદદ કરે.
60એમ આખી પૃથ્વીના લોકો જાણે કે, ઈશ્વર તે જ પ્રભુ છે અને તેમના સિવાય બીજા કોઈ ઈશ્વર નથી!
61તે માટે આપણા ઈશ્વરના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેમની આજ્ઞાઓ પાળવા તમારાં હૃદયો તેમની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો.”
62પછી રાજાએ તથા તેની સાથે તમામ ઇઝરાયલી લોકોએ ઈશ્વરને બલિદાન ચઢાવ્યાં.
63સુલેમાન રાજાએ બાવીસ હજાર બળદ અને એક લાખ વીસ હજાર ઘેટાં અને બકરાં ઈશ્વરને શાંત્યર્પણો તરીકે ચઢાવ્યાં. આમ રાજાએ અને ઇઝરાયલના લોકોએ ઈશ્વરના ભક્તિસ્થાનને સમર્પિત કર્યુ.
64તે જ દિવસે રાજાએ ભક્તિસ્થાનના આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કરાવ્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓના ચરબીવાળા ભાગો ચઢાવ્યા હતા, કેમ કે ઈશ્વરની આગળ જે પિત્તળની વેદી હતી તે ચરબીવાળા ભાગોને સમાવવા માટે નાની પડતી હતી.
65આમ, સુલેમાને અને તેની સાથે બધાં ઇઝરાયલીઓએ એટલે ઉત્તરમાં હમાથની ઘાટીથી તે મિસરની હદ સુધીના આખા સમુદાયે આપણા ઈશ્વરની આગળ સાત દિવસ અને બીજા સાત દિવસ એમ કુલ ચૌદ દિવસ સુધી ઉજવણી કરી.
66આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.