Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 9

લૂક 9:5-25

Help us?
Click on verse(s) to share them!
5તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.'
6અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.
7જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.'
8કેટલાક કહેતાં હતા કે, 'એલિયા પ્રગટ થયો છે'; અને બીજાઓ કહેતાં હતા કે, 'પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.'
9હેરોદે કહ્યું કે, 'યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?' અને હેરોદ ઈસુને મળવા ઉત્સુક બની ગયો.
10પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
11લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.
12દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, 'લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.'
13ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' શિષ્યોએ કહ્યું કે, 'અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.'
14કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.
15શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.
16પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.
17તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.
18એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'
19શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, 'યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછો સજીવન થયેલ પ્રબોધક.'
20ઈસુએ તેઓને કહ્યું કે, 'પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?' પિતરે ઉત્તર આપતા કહ્યું કે, 'ઈશ્વરના ખ્રિસ્ત.'
21પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, 'એ વાત કોઈને કહેશો નહિ.'
22વળી, ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.'
23ઈસુએ બધાને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
24કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
25જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

Read લૂક 9લૂક 9
Compare લૂક 9:5-25લૂક 9:5-25