Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક

લૂક 17

Help us?
Click on verse(s) to share them!
1ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'ઠોકર ખાવાનાં પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાંથી ઠોકર આવે છે તેને અફસોસ છે!
2કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ઘંટી નો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે સારુ છે.
3સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો.
4જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો.
5પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, 'અમારો વિશ્વાસ વધારો.'
6પ્રભુએ કહ્યું કે, 'જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.
7પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ?
8તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?
9તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું?
10તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.'
11એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા.
12એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને
13બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.'
14અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, 'જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.
15તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો.
16તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.
17ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે?
18ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું?

19ઈસુએ કહ્યું કે, 'તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.'
20ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું.
21વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.'
22તેમણે શિષ્યોને કહ્યું કે, 'એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ.
23તેઓ તમને કહેશે હે 'જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના.
24કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.
25પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે.
26અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
27નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલય આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.
28તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા;
29પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો;
30જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
31તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.
32લોતની પત્નીને યાદ કરો.
33કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.
34હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે.
35બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે.
36ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,'

37અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'પ્રભુ, ક્યાં?' અને ઈસુએ તેઓને કહ્યું કે, 'જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.'