18કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.'
19પછી ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, 'આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.'
20તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, 'આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.
21પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
22માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!'
23તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે' આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?'
24આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
25ઈસુએ તેઓને કહ્યું કે, 'વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.
26પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવક ના જેવા થવું.
27કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.
28પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.
29જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;
30કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.'
31'સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા.
32પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.'
33તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.'
34પણ ઈસુએ કહ્યું કે, 'પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, 'હું તને ઓળખતો નથી', એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.'
35પછી તેણે તેઓને પૂછ્યું કે, 'જયારે થેલી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?' તેઓએ કહ્યું કે, 'કશાની નહિ.'
36ત્યારે તેમણે તેઓને કહ્યું, 'પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તરવાર ના હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે.
37કેમ કે હું તમને કહું છું કે, 'તે અપરાધીઓની સાથે ગણાયો', એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.'
38તેઓએ કહ્યું કે, 'પ્રભુ, જો બે તરવાર આ રહી;' તેણે તેઓને કહ્યું કે, 'એ બસ છે.'
39બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
40ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.'
41આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
42'હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'
43આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.
44તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
45પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને થાકને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
46ઈસુએ તેઓને કહ્યું કે, 'કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.'
47તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.