1ત્યાર પછી નાહાશ આમ્મોની ગયો અને યાબેશ-ગિલ્યાદને ઘેરી લીધું. યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે સુલેહ કર અને અમે તારી તાબેદારી સ્વીકારીશું.”
2નાહાશ આમ્મોનીએ જવાબ આપ્યો, “એક શરતથી હું તમારી સાથે સુલેહ કરીશ કે, તમારા બધાની જમણી આંખો ફોડી નાખવામાં આવે, એ રીતે સર્વ ઇઝરાયલીઓ પર કલંક લગાડું.”
3પછી યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને માત્ર સાત દિવસ આપ, કે જેથી અમે ઇઝરાયલના સર્વ પ્રદેશમાં સંદેશાવાહકો મોકલીએ. પછી, ત્યાં જો કોઈ અમારો બચાવ કરનાર નહિ હોય, તો અમે તને સોંપાઈ જઈશું.”
4સંદેશાવાહકો શાઉલના નગર ગિબયામાં આવ્યા અને લોકોના સાંભળતાં એ શબ્દો કહ્યા. તે સાથે સર્વ લોકો ઊંચા અવાજથી રડવા લાગ્યા.
5શાઉલ ખેતરમાંથી બળદોની પાછળ આવ્યો. શાઉલે કહ્યું, “લોકોની સાથે શું ખોટું બન્યું છે કે તેઓ રડે છે?” તેઓએ શાઉલને યાબેશના માણસોએ જે ધમકીનાં વચનો કહ્યા હતાં તે કહી સંભળાવ્યાં.
6તેઓએ જે કહ્યું તે જયારે શાઉલે સાંભળ્યું, ત્યારે ઈશ્વરનો આત્મા સામર્થ્ય સહિત તેના પર આવ્યો અને તે ઘણો ક્રોધાયમાન થયો.
7તેણે બળદની એક જોડ લઈને તેને કાપીને ટુકડાં કર્યા અને તેઓને સંદેશાવાહકો દ્વારા ઇઝરાયલના સર્વ પ્રદેશોમાં મોકલી આપ્યાં. તેણે કહ્યું, “જે કોઈ શાઉલની પાછળ તથા શમુએલની પાછળ આવશે નહિ તો તેના બળદોના હાલ આવા કરવામાં આવશે.” પછી લોકોને ઈશ્વરનો ભય લાગ્યો અને તેઓ એકમતે નીકળી આવ્યા.
8જયારે તે બેઝેકમાં તેઓની ગણતરી કરવા લાગ્યો, ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ અને યહૂદિયાના માણસો ત્રીસ હજાર થયા.
9જે સંદેશાવાહકો આવ્યા હતા તેઓને તેઓએ કહ્યું, “તમે યાબેશ-ગિલ્યાદના માણસોને એવું કહેજો, 'કાલે, સૂર્યનો તાપ ચઢશે તે સમયે, તમારો બચાવ થશે.” તેથી સંદેશાવાહકોએ જઈને યાબેશના માણસોને કહ્યું અને તેઓ આનંદ પામ્યા.
10પછી યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “કાલે અમે તમારે શરણે આવીશું અને તમારી દ્રષ્ટિમાં જે સારું દેખાય તે સર્વ તમે અમને કરજો.”
11બીજે દિવસે શાઉલે લોકોનાં ત્રણ જૂથ પાડ્યાં. સવારના સમયે તેઓ છાવણીના મધ્ય ભાગમાં આવ્યા, તેઓએ આમ્મોનીઓ પર હુમલો કરીને તડકો ચઢતાં સુધી તેઓને પરાજિત કર્યા. જેઓ બચી રહ્યા તેઓ એવા વિખરાઈ ગયા કે કોઈ જગ્યાએ તેઓમાંના બે એકસાથે ભેગા થઈ શકે નહિ.
12પછી લોકોએ શમુએલને કહ્યું, “એવું કોણે કહ્યું હતું, 'કે શાઉલ અમારા ઉપર શાસન ન કરે?' એવું કહેનાર માણસોને રજૂ કરો, કે અમે તેઓને મારી નાખીએ”
13પણ શાઉલે કહ્યું, “ના આ દિવસે કોઈને પણ મારી નાખવાનો નથી, કેમ કે આજે ઈશ્વરે ઇઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.”
14પછી શમુએલે લોકોને કહ્યું, “આવો, આપણે ગિલ્ગાલમાં જઈએ અને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ.”
15પછી સર્વ લોકો ગિલ્ગાલમાં ગયા. અને ત્યાં ઈશ્વરની સમક્ષ શાઉલને રાજા તરીકે નીમ્યો. ત્યાં તેઓએ ઈશ્વરની આગળ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા. અને શાઉલે તથા સર્વ ઇઝરાયલી લોકોએ ઘણો આનંદ કર્યો.