Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - એસ્તેર

એસ્તેર 6

Help us?
Click on verse(s) to share them!
1તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી. અને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.
2તેમાં લખેલું હતું કે, રાજાના દરવાનોમાંના બે ચોકીદારો કે જેઓ દ્ધારની ચોકી કરતા હતા, તે બિગ્થાના અને તેરેશ જેઓએ અહાશ્વેરોશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું તે વિષે મોર્દખાયે ખબર આપી હતી.
3આ ઉપરથી રાજાએ પૂછ્યું કે, “એને માટે મોર્દખાયને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યાં છે? ત્યારે રાજાની હજૂરમાં જે દરબારીઓ હતા તેઓએ જણાવ્યું કે, મોર્દખાયને કંઈ જ આપવામાં આવ્યું નથી કદર કરાઈ નથી.”
4તેથી રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?” હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો.
5તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, 'આંગણામાં હામાન ઊભો છે.' રાજાએ કહ્યું, 'એને અંદર બોલાવો.”
6ત્યારે હામાન અંદર ગયો. એટલે રાજાએ તેને પૂછ્યું “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ?'' હવે હામાને મનમાં વિચાર્યું કે, મારા કરતાં બીજા કોને રાજા માન આપવા વધારે ખુશ થાય?''
7એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય,
8તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે તથા જે ઘોડા પર રાજા સવારી કરતા હોય તે, અને જે રાજમુગટ રાજાને માથે મુકાય છે તે લાવવા.
9પછી તે પોશાક અને તે ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા સરદારોમાંના એકના હાથમાં આપવા અને તે માણસને એ પોશાક પહેરાવી અને તેને ઘોડા પર બેસાડી અને નગરમાં ફેરવે અને તેની આગળ એમ પોકાર કરવામાં આવે કે, જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે.”
10ત્યારે રાજાએ હામાનને કહ્યું, “જલ્દી જા અને પોશાક અને ઘોડો લઈ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર, તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું જોઈએ નહિ.
11ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે.”
12મોર્દખાય રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલદીથી ઘરે ચાલ્યો ગયો.
13પછી હામાને પોતાની પત્ની ઝેરેશને અને બધાં મિત્રોને જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે તેની પત્ની ઝેરેશે અને તેના મિત્રમંડળે તેને કહ્યું ''મોર્દખાય કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો એક યહૂદી વંશનો હોય, તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ ચોક્કસ તું નાશ પામીશ.”
14હજી તો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે તેડી ગયા.