1હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
2તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
4આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” સેલાહ
5આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
6તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
7તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. સેલાહ
8હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી.
10કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.