Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર

ગીતશાસ્ત્ર 65

Help us?
Click on verse(s) to share them!
1હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
2હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
3ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
4જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.
5હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્દભુત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.
6તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે.
7તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
8પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
9તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
10તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
11તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
12અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે.
13ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.