Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર

ગીતશાસ્ત્ર 74

Help us?
Click on verse(s) to share them!
1હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?
2પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.
3આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.
4તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.
5જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.
6તેઓ કુહાડી તથા હથોડાથી તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.
7તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.
8તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.” તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે.
9અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; ત્યાં કોઈ પ્રબોધક નથી અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.
10હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?
11તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.
12તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.
13તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં.
14તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.
15ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.
16દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.
17તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.
18હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો.

19તમારા હોલાનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.
20તમે કરેલા કરારનું સ્મરણ કરો, કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.
21દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.
22હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો; મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો.
23તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.