20પરંતુ એક આખા મહિના સુધી તમે તે ખાશો એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી પાછું નીકળશે. અને તેથી તમે કંટાળી જશો. કેમ કે યહોવાહ જે તમારી મધ્યે છે તેનો તમે ઇનકાર કર્યો છે અને તેમની આગળ રડીને કહ્યું છે કે ''અમે મિસરમાંથી કેમ બહાર આવ્યા?”'”
21પછી મૂસાએ કહ્યું, જે લોકોની સાથે હું છું તેઓ છ લાખ પાયદળ છે અને તમે કહ્યું છે કે, હું તેઓને એટલું બધું માંસ આપીશ કે, તેઓ એક આખા મહિના સુધી તે ખાશે.'
22શું તેઓને પૂરતું થાય તે માટે ઘેટાંબકરાં તથા ઢોરઢાંકના ટોળાં કાપવામાં આવશે? કે તેઓને પૂરતું થાય તે માટે સમુદ્રનાં બધાં માછલાં એકત્ર કરવામાં આવશે?”
23યહોવાહે મૂસાને કહ્યું કે, “શું મારો હાથ એટલો ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”
24પછી મૂસાએ બહાર આવીને યહોવાહનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા.
25યહોવાહ મેઘમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે બોલ્યા પછી મૂસાને જે આત્મા આપ્યો હતો તેમાંનો લઈ અને તે સિત્તેર વડીલો પર મૂક્યો. અને એમ થયું કે આત્મા તેઓ પર રહ્યો. ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.
26પરંતુ છાવણીમાં બે પુરુષો રહી ગયા હતાં. એકનું નામ એલ્દાદ તથા બીજાનું મેદાદ હતું. અને તેઓના પર આત્મા રહ્યો. તેઓનાં નામ યાદીમાં લખાયેલાં હતાં, પણ બહાર નીકળીને તંબુ પાસે ગયા ન હતા અને છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા.
27અને એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.”
28નૂનનો પુત્ર યહોશુઆ, જે મૂસાની સેવામાં હતો તેઓમાંના પસંદ કરાયેલા એકે, મૂસાને કહ્યું કે, “મારા માલિક મૂસા, તેમને મના કર.”
29અને મૂસાએ તેને કહ્યું કે “શું મારી ખાતર તને તેમના પર અદેખાઈ આવે છે? હું ઇચ્છું છું કે યહોવાહના સર્વ લોકો પ્રબોધકો થાય કે યહોવાહ તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે!”
30પછી મૂસા તથા ઇઝરાયલના સિત્તેર આગેવાનો છાવણીમાં પાછા ગયા.
31પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી.
32તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી.
33પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા.
34તેથી તેઓએ એ જગ્યાનું નામ 'કિબ્રોથહાત્તાવાહ' પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા.