1યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.
2હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: “મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
3બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગદર્ભ પોતાના માલિકની ગભાણને ઓળખે છે, પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”
4ઓહ! પ્રજાઓ, પાપીઓ, અપરાધોથી લદાયેલા લોકો, હે ખોટું કરનારનાં સંતાનો, હે સ્વછંદી સંતાનો! તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ધિક્કાર્યા છે. તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.
5શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો? આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.
6પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી; ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે; તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.
7તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.
8સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
9જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.