Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 2

1 રાજઓ 2:6-30

Help us?
Click on verse(s) to share them!
6તું તારા ડહાપણ અનુસાર યોઆબ સાથે વર્તજે, પણ તેનું પળિયાંવાળું માથું તું શાંતિએ કબરમાં ઊતરવા ન દેતો.
7પણ ગિલ્યાદી બાર્ઝિલ્લાયના દીકરાઓ પર તું કૃપા રાખજે અને તેઓ તારી મેજ પર ભોજન કરનારાઓમાં સામેલ થાય, કેમ કે જયારે હું તારા ભાઈ આબ્શાલોમથી નાસતો ફરતો હતો, ત્યારે તેઓ મારી સાથે એવી રીતે વર્ત્યા હતા.
8જો, તારી પાસે ત્યાં બાહુરીમનો બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ છે, હું માહનાઈમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. શિમઈ યર્દન પાસે મને મળવા આવ્યો અને મેં યહોવાહની હાજરીમાં તેને કહ્યું, 'હું તને તરવારથી મારી નાખીશ નહિ.'
9પણ હવે તું તેને શિક્ષા કર્યા વગર જવા દેતો નહિ. તું બુદ્ધિમાન છે અને તારે તેને શું કરવું તે તને ખબર છે. તેનું પળિયાવાળું માથું તું લોહીલુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે.”
10પછી દાઉદ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.
11દાઉદે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું.
12પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.
13પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.”
14પછી તેણે કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” તેથી તેણે જવાબ આપ્યો “બોલ.”
15અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.
16હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”
17તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”
18બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.”
19બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.
20પછી તેણે કહ્યું, “મારે તને એક નાની વિનંતી કરવાની છે; મને ના પાડીશ નહિ.” રાજાએ જવાબ આપ્યો, “બોલ, મારી માતા, હું તને ના નહિ પાડું.”
21તેણે કહ્યું, “શૂનામ્મી અબીશાગનું લગ્ન તું તારા ભાઈ અદોનિયા સાથે કરાવ.”
22સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, “તું અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ માગ.”
23પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો.
24તો હવે જીવતા યહોવા કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે અને મારા માટે ઘર બનાવ્યું છે તેમની હાજરીમાં અદોનિયા ચોક્કસ માર્યો જશે.”
25તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.
26પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.”
27આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.
28યોઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યોઆબે અદોનિયાનાનો પક્ષ લીધો, પણ તેણે આબ્શાલોમનો પક્ષ લીધો ન હતો. તેથી યોઆબે યહોવાહના મંડપમાં નાસી જઈને વેદીના શિંગ પકડ્યાં.
29સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેના પર તૂટી પડ.”
30તેથી બનાયાએ યહોવાહના મંડપમાં આવીને તેને કહ્યું, “રાજા કહે છે, 'બહાર આવ.'” યોઆબે જવાબ આપ્યો, “ના, હું તો અહીં મરણ પામીશ.” તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહ્યું જણાવ્યું, “યોઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઇચ્છે છે.”

Read 1 રાજઓ 21 રાજઓ 2
Compare 1 રાજઓ 2:6-301 રાજઓ 2:6-30