Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 18

1 રાજઓ 18:5-21

Help us?
Click on verse(s) to share them!
5આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળાં આગળ જા. જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધાં જાનવરોને ખોઈ ન બેસીએ.”
6તેથી તેઓએ આખા દેશમાં ફરી વળવા માટે અંદરોઅંદર ભાગ પાડી લીધા. આહાબ એકલો એક બાજુએ ગયો અને ઓબાદ્યા બીજી બાજુ ગયો.
7ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે, ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે મારા માલિક એલિયા, એ શું તમે છો?”
8એલિયાએ તેને જવાબ આપ્યો. “હા, હું તે જ છું. જા તારા માલિક (આહાબ)ને કહે, 'જો, એલિયા અહીં છે.”
9ઓબાદ્યાએ જવાબ આપ્યો, “મેં શો અપરાધ કર્યો છે કે તું મને મારી નાખવા માટે આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છે છે?
10તારા ઈશ્વર યહોવાહના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. જ્યારે તેઓએ કહ્યું, 'એલિયા અહીં નથી,' ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.
11હવે તું કહે છે, 'જા તારા માલિક આહાબને કહે કે એલિયા અહીં છે.'
12હું તારી પાસેથી જઈશ કે, તરત યહોવાહનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે. પછી હું જ્યારે જઈને આહાબને ખબર આપું અને જ્યારે તું તેને મળે નહિ, ત્યારે તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા બાળપણથી યહોવાહથી બીતો આવ્યો છું.
13ઇઝેબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાહના પ્રબોધકોમાંથી સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું, તેની ખબર મારા માલિકને નથી મળી શું?
14અને હવે તું કહે છે, 'જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,' આથી તે મને મારી નાખશે.”
15પછી એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના યહોવા જેમની આગળ હું ઊભો રહું છું, તેમના સમ કે હું ચોક્કસ આજે તેને મળીશ.”
16તેથી ઓબાદ્યા આહાબને મળ્યો; આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો.
17જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે?”
18એલિયાએ જવાબ આપ્યો, “મેં ઇઝરાયલને દુઃખ આપ્યું નથી, પણ તેં તથા તારા પિતાના કુટુંબે યહોવાહની આજ્ઞાનો ત્યાગ કરીને તથા બાલની પૂજા કરીને દુઃખ આપ્યું છે.
19હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બાલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝેબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”
20તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કાર્મેલ પર્વત પર એકત્ર કર્યા.
21એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.

Read 1 રાજઓ 181 રાજઓ 18
Compare 1 રાજઓ 18:5-211 રાજઓ 18:5-21