7પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ?
8તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?
9તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું?
10તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.'
11એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા.
12એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને
13બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.'
14અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, 'જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.
15તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો.
16તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.
17ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે?