Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - મીખાહ

મીખાહ 1

Help us?
Click on verse(s) to share them!
1યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.
2હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તે ઉપર જે છે તે સર્વ ધ્યાન દો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.
3જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.
4તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.
5આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે, અને ઇઝરાયલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાનાં ઉચ્ચસ્થાન ક્યાં છે? શું તે યરુશાલેમ નથી?
6“તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.
7તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે. અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.''
8એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ; ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ, શિયાળવાંની જેમ રડીશ, અને શાહમૃગની જેમ કળકળીશ.
9કેમ કે, તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે, તે મારા લોકોના દરવાજા સુધી, છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.
10ગાથમાં તે કહેશો નહિ; બિલકુલ વિલાપ કરશો નહિ; બેથ-લે-આફ્રાહમાં, તું ધૂળમાં આળોટ.
11હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા, સાનાનના રહેવાસીઓ, પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ-એસેલનો વિલાપ, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.
12કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે. કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.
13હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, અને તમારામાં ઇઝરાયલના અપરાધ મળ્યા હતા.
14અને તેથી તું મોરેશેથ-ગાથને વિદાયની ભેટ આપશે. આખ્ઝીબના કુળો, ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.
15હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે, ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.
16તારાં પ્રિય સંતાનોને લીધે, તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મૂંડાવ, અને ગીધની જેમ તારી ટાલ વધાર. કારણ, તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે.