3એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
4કેમ કે ભારે અને ઊંચકતાં મહામુસીબત પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળી પણ તેને લગાવવા ઇચ્છતા નથી.'
5લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોને પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોર વધારે છે.
6વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો
7તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ગુરુજી કહે, તેવું તેઓ ચાહે છે.
8પણ તમે પોતાને ગુરુ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.
9પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.
10તમે સ્વામી ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા સ્વામી છે.
11પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થાય.
12જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઉચ્ચસ્થાન અપાશે.
13ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતાં નથી.
14ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે વિશેષ સજા ભોગવશો.
15ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફરી વળો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નર્કનો દીકરો બનાવો છો.
16ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.
17ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
18અને તમે કહો છો કે, જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.
19ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?
20એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.
21જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.
22જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
23ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
24ઓ અંધજનોને દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો.