Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 2

પ્રેરિતોનાં કૃત્યો 2:29-45

Help us?
Click on verse(s) to share them!
29ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દફનાવાયો પણ છે, અને તેની કબર આજ સુધી અહીં આપણે ત્યાં છે.
30તે પ્રબોધક હતો, અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ;
31એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં મરણોત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.
32એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.
33માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે.
34કેમ કે દાઉદ તો સ્વર્ગમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે,
35પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ.
36એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.
37હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ?
38ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો, તમારાં પાપોની માફીને માટે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થાય તે માટે.
39કેમ કે તે આશાવચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે.
40પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાનાં દુષ્ટ લોકથી બચી જાઓ.
41ત્યારે જેઓએ તેમની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. અને તે જ દિવસે ત્રણેક હજાર માણસો ઉમેરાયાં.
42તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં (પ્રભુ ભોજન લેવામાં) તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.
43દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા.
44તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી.
45તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.

Read પ્રેરિતોનાં કૃત્યો 2પ્રેરિતોનાં કૃત્યો 2
Compare પ્રેરિતોનાં કૃત્યો 2:29-45પ્રેરિતોનાં કૃત્યો 2:29-45