1જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
2જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
3સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
4ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
5જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
6કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
7કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.
8જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
9મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.